શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નું  ગઠબંધન તૂટ્યા અને સરકાર પડ્યા બાદ રાજ્યપાલ શાસન લાગવાની પૂર્ણ સંભાવનાઓ છે. આ વચ્ચે  રાજ્યપાલ એનએન વોહરાએ તમામ મોટી પાર્ટીઓ સાથે ચર્ચા બાદ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદને મોકલી આપ્યો છે. રાજ્યપાલે રિપોર્ટની સાથે સેક્શન 92 (જમ્મૂ-કાશ્મીરના બંધારણ) હેઠળ રાજ્યમાં  રાજ્યપાલ શાસન લગાવવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે ભાજપના સમર્થનથી રાજ્યમાં સરકાર ચલાવી રહેલી પીડીપીને મંગળવારે તે સમયે મોટો  ઝટકો લાગ્યો, જ્યારે ભાજપે સમર્થન વાપસીની જાહેરાત કરી. સમર્થન વાપસી બાદ મહબૂબા મુફ્તીએ  રાજ્યપાલ સાથે મુલાકાત કરીને પોતાનું રાજીનામું આપી દીધું. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ  રાજ્યપાલની મુલાકાત કરી અને ચૂંટણી કરાવવાની માંગ કરી. ઉમર અબ્દુલ્લાએ તે પણ સ્પષ્ટ કર્યું કે, તે  કોઇપણ પ્રકારના ગઠબંધનથી સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે નહીં. 



બીજીતરફ કોંગ્રેસના સમર્થનની અટકળો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સ્પષ્ટ કર્યું કે,  કોંગ્રેસ કોઇપણ કિંમતે પીડીપીને સમર્થન આપશે નહીં. આ સ્થિતિમાં એકમાત્ર રસ્તો વધે છે કે હાલમાં  રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવે અને ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે. 


મુખ્યપ્રધાન પદ્દેથી રાજીનામું આપ્યા બાદ મહબૂબા મુફ્તીએ પત્રકાર પરિષદ કરીને પોતાની વાત રાખી.  મુફ્તીએ કહ્યું કે, મુફ્તી સાહેબે મોટા વિઝન સાથે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હું ભાજપના  આ નિર્ણયથી આશ્ચર્યમાં નથી. અમે સત્તા માટે ગઠબંધન નથી કર્યું. આ ગઠબંધનના ઘણા ઈરાદા હતા.  સીઝફાયર, પીએમનો પાકિસ્તાન પ્રવાસ, 11 યુવાનો  વિરુદ્ધ કેસ પરત ખેંચાયા. આ દરમિયાન મુફ્તીએ  જણઆવ્યું કે, તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું છે અને કહ્યું કે, અમે કોઇ ગઠબંધન તરફ  આગળ વધી રહ્યાં નથી.