ચીન પાડોશીઓને મદદ વહેંચી રહ્યું છે, પરંતુ દુનિયામાં કંઇ જ ફ્રી નથી: આર્મી ચીફ
આર્મી ચીફે કહ્યું કે, આવા સંબંધો અસ્થાયી હોય છે તે આસપાસનાં વાતાવરણ અનુસાર બદલે છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પાકિસ્તાન- અમેરિકા સંબંધ છે
પુણે : ચીન પાસેથી મદદ મેળવનારા દેશોને આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી છે. રવિવારે પુણેમાં આર્મી ચીફે કહ્યું કે, જે દેશોને ચીન આર્થિક મદદ કરી રહ્યું છે, તેમને ટુંકમાં જ અહેસાસ થઇ જશે કે કંઇ પણ ફ્રીમાં નથી હોતું. તેઓ બિમ્સટેક સૈન્ય અભ્યાસ 18નાં સમાપન સમારંભ ઉપરાંત મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.
હાલનાં વર્ષોમાં નેપાળ અને ચીનની વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. આ બાબતે પુછવામાં આવેલા સવાલ અંગે રાવતે કહ્યું કે, કોઇ પણ દેશને આર્થિક વિકાસ કરવા માંગે છે તો તેને દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય સહયોગનાં રસ્તાઓ શોધવા પડે છે. ચીનની પાસે પૈસા છે તો હવે તે તેનો ખર્ચ કરી રહ્યું છે, પરંતુ જે દેશો તેની મદદ લઇ રહ્યા છે તેમને ઝડપથી તે વાતનો અહેસાસ થશે કે આ દુનિયામાં કંઇ પણ મફત નથી મળતું.
આર્મી ચીફે કહ્યું કે, એવા સંબંધો અસ્થાયી હોય છે અને જેવો સામાજીક કે આર્થિક પરિદ્રશ્યમાં પરિવર્તન આવે, તુરંત જ સંબંધોમાં પરિવર્તન આવી જાય છે. જનરલ રાવતે કહ્યું કે, તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છે. જે હવે પહેલા જેવા નથી રહ્યા જેવા પહેલા હતા. એવામાં આપણે અસ્થાઇ અલાયન્સ મુદ્દે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. અમે પોતાની અર્થવ્યવસ્થાને મજબુત કરવામાં ધ્યાન આપવાની જરૂર છે.
રાવતે કહ્યું કે, નેપાળ અને ભૂટાન જેવા દેશોએ ભૌગોલિક સ્થિતીને જોતા ભારત તરફી વલણ રાખવું જરૂરી છે. તેમણે કહ્યું કે, ભારત પોતાનાં પાડોશી રાષ્ટ્રો સાથે કૂટનીતિક સંબંધો મજબુત બનાવવાનાં પ્રયાસો કરી રહ્યું છે. ભારત પાડોશી પ્રથમ અને એક્ટ ઇસ્ટ સિદ્ધાંત પર ચાલી રહ્યું છે અને બિમ્સટેક તેનો હિસ્સો છે. અમારો દેશ મોટો છે. જો આ ઇનિશયેટિવ લે છે તો બીજા દેશો પણ તેનું અનુસરણ કરશે.
ભારતના આર્થિક પ્રતિસ્પર્ધી દેશ તરીકે ચીન ઉભરી રહ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં પ્રભાવ જાળવવા માટે બંન્ને દેશો એક બીજાની પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. આર્મી ચીફે કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ આતંકવાદના ખતરાને ઘટાડવા માટે મદદ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક અઠવાડીયા ચાલેલા અભ્યાસમાં બાંગ્લાદેશ, મ્યાંમાર, ભૂટાન, શ્રીલંકા અને ભારતનાં સૈનિકોએ ભાગ લીધો હતો. થાઇલેન્ડે પણ પોતાની એક ટીમ મોકલી હતી.