PM મોદીને ઘેરવાના ચક્કરમાં પોતે જ ફસાઈ ગયા હેમંત સોરેન, હવે આંધ્ર પ્રદેશના CM એ આપી આ શિખામણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધવાના ચક્કરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પોતે નિશાન પર આવી ગયા છે.
વિશાખાપટ્ટનમ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધવાના ચક્કરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પોતે નિશાન પર આવી ગયા છે. હવે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ તેમની ટીકા કરી છે. રેડ્ડીએ સટીક શબ્દોમાં તેમને સમજાવ્યું કે તેમણે જે કહ્યું તે કેટલું ખોટું હતું. તેમણે સાથે એવી શીખામણ પણ આપી દીધી કે આ મુશ્કેલ સમયમાં પ્રધાનમંત્રી સાથે મળીને કામ કરવું જોઈએ.
સોરેને કરી હતી આ વાત
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતી એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે આજે આદરણીય પ્રધાનમંત્રીજીએ ફોન કર્યો. તેમણે ફક્ત પોતાના મનની વાત કરી. તેઓ કામની વાત કરત અને કામની વાત સાંભળત તો સારૂ થાત. આ નિવેદન બદલ સોરેનની ટીકા શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. હવે જગનમોહન રેડ્ડીએ પણ તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
સન્માન સાથે કરી વેધક વાત
જગનમોહન રેડ્ડીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે પ્રિય હેમંત સોરેન, હું તમારું ખુબ સન્માન કરું છું પરંતુ એક ભાઈ તરીકે હું તમને અપીલ કરું છું કે આપણી વચ્ચે ભલે ગમે તેટલા મતભેદ હોય પરંતુ આ સ્તરની રાજનીતિથી તો આપણો દેશ જ નબળો થશે. સીએમ રેડ્ડીએ વધુમાં લખ્યું કે કોરોના વિરુદ્ધ આ જંગમાં હાલનો સમય કોઈના પર આંગળી ઉઠાવવાનો નથી પરંતુ સાથે મળીને મહામારીને પ્રભાવી રીતે પહોંચી વળવા માટે આપણા પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવાનો છે.
કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી 'મજાક', BJP લાલચોળ, નવો વિવાદ શરૂ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube