ભુવનેશ્વરઃ બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ચક્રવાતી તોફાન 'તિતલી'એ બુધવારે વિનાશક સ્વરૂપ ધારણ કરી લીધું છે. તે ઓડિશા અને આંધ્રપ્રદેશના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેને અનુલક્ષીને ઓડિશા સરકારે પાંચ સમુદ્ર કિનારાના જિલ્લામાંથી લગભગ 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરી દેવાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, નીચાણવાળા અને સમુદ્ર કિનારાના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાએ જણાવ્યું કે, 140થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતા તોફાની પવનો ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારે પહોંચ્યા બાદ 165 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 


મુખ્યમંત્રી પટનાયકે સમીક્ષા કરી
હવામાન ખાતાની સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની આગાહીને ધ્યાનમાં રાખીને ઓડિશાના મુખ્યમંત્રી નવી પટનાયકે પરિસ્થિતીની સમીક્ષા કરી છે. તેમણે ગંજમ, પુરી, ખુર્દા, કેન્દ્રપાડા અને જગતસિંહપુર જિલ્લાનાં કલેક્ટરોને સમુદ્ર કિનારાના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસેડવા માટે આદેશ આપ્યા છે. 


તેમણે અધિકારીઓને એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે, આ વાવાઝોડાને કારણે કોઈ પણ વ્યક્તિનું મોત ન થવું જોઈએ અને વાવાઝોડા માટે આશ્રયસ્થાનો પણ તૈયાર રાખવા જણાવ્યું છે. 


પટનાયકે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે ગુરૂવાર અને શુક્રવારે તમામ શાળા-કોલેજ અને આંગણવાડી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગુરૂવારે યોજાનારી કોલેજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી પણ રદ્દ કરી દેવાઈ છે. 


 ભારત-બાંગ્લાદેશ સરહદે હટાવાશે જૂના 'નિશાન', ઈસ્ટ પાકિસ્તાનનું નામોનિશાન નહીં રહે


'તિતલી' ગુરૂવારે સાંજે 5 કલાકે પહોંચશે 
વિશેષ રાહત કમિશનર કચેરીના અધિકારીએ જણાવ્યું કે, બુધવારે બપોર સુધીમાં 50 હજાર લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે, જેમાંથી મોટાભાગના ગંજમ અને પુરી જિલ્લાના છે. મુખ્ય સચિવ એ.પી. પાધીએ જણાવ્યું કે, વાવાઝોડું 'તિતલી' ગુરૂવાર સાંજે પાંચ કલાક સુધીમાં ઓડિશાના સમુદ્ર કિનારે પહોંચે એવી સંભાવના છે. 


તેમણે જણાવ્યું કે, વાવાઝોડાને કારણે સમુદ્રમાં 1 મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. 


મુખ્ય સચિવે જણાવ્યું કે, એનડીઆરએફ અને ઓડિશાની રાહત બચાવ ટુકડીઓને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે અને તેમને એલર્ટ રહેવા સુચના અપાઈ છે. 


હવામાન ખાતાએ જણાવ્યું કે, ગંજમ, ગજપતિ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ખુર્દા, નયાગઢ, કટક, જાજપુર, ભદ્રક અને બાલાસોર જેવા જિલ્લાઓમાં ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.