જયેશ જોશી, અમદાવાદ: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી ગઠબંધન છેલ્લી બે લોકસભાની ચૂંટણી પ્રચંડ બહુમતની સાથે જીત હાંસલ કરીને સત્તામાં વાપસી કરી છે. જેના કારણે વિપક્ષની સામે અસ્તિત્વનં સંકટ ઉભું થયું છે. લોકસભામાં કોંગ્રેસ પાસે એટલી સંખ્યા પણ નથી કે તે વિપક્ષના નેતાનું પદ રાખી શકે. જ્યારે હાલમાં જ પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગવાનો છે. વર્ષ 2022માં અલગ-અલગ સમયે રાજ્યસભાની લગભગ 75 બેઠકો પર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાનું છે. એવામાં સવાલ થઈ રહ્યો છે કે શું લોકસભા પછી રાજ્યસભામાં પણ કોંગ્રેસ નેતા વિપક્ષનું પદ ગુમાવી બેસશે?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાસે છે 34 સાંસદ:
સદનમાં સરકારની સામે અનેક વિપક્ષી પાર્ટીઓ હોય છે. પરંતુ સત્તાવાર રીતે તે પાર્ટીને વિપક્ષના નેતા બનવાની તક મળે છે જેની પાસે ઓછામાં ઓછા 10 ટકા બેઠકો હાંસલ હોય. છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ પાસે એટલી સીટો આવી ન હતી કે તે સત્તાવાર રીતે વિપક્ષના નેતા પોતાને બનાવી શકે. આ વર્ષના અંત સુધી દેશની 75 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે. અને કોંગ્રેસ પાસે હાલમાં 34 સાંસદ છે. રાજ્યસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 25ની નીચે આવી જશે તો વિપક્ષનું પદ પણ ગુમાવી દેશે.

રાજ્યસભામાં હોય છે કુલ 250 સભ્ય:
ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભામાં કુલ 250 સભ્યો હોય છે. તેમાં 238 સભ્યો માટે ચૂંટણી થાય છે. જ્યારે 12 સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાતા સીધા સાંસદોને પસંદ કરતા નથી. પરંતુ રાજ્યના ધારાસભ્યો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે. એવામાં પાંચ રાજ્યોની ચૂંટણીની અસર રાજ્યસભાની ચૂંટણી પર પડે તે સ્વાભાવિક છે.

રાજ્યસભાની 13 બેઠકો માટે 31 માર્ચે ચૂંટણી:
દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પછી હવે 31 માર્ચે રાજ્યસભાની 13 બેઠકો પર 31 માર્ચે ચૂંટણી થવાની છે. આ 13 બેઠકમાં 5 બેઠક પંજાબની છે. જ્યારે બીજી 8 બેઠકમાં અસમની બે, હિમાચલ પ્રદેશની એક, કેરળની ત્રણ, નાગાલેન્ડ અને ત્રિપુરાની એક-એક બેઠક છે. જેમનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આ વર્ષના અંત સુધી ઉત્તર પ્રદેશને 11, બિહારની 5, રાજસ્થાનની 3, મધ્ય પ્રદેશની 3 અને ઉત્તરાખંડની 1 સીટ પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે. તે સિવાય ઓડિશા, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશની બેઠક પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે.

કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી વળ્યું:
કોંગ્રેસ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મોટી આશા રાખીને બેઠું હતું. પરંતુ જ્યારે પરિણામો આવ્યા તો બધા અરમાનો પર પાણી ફરી વળ્યું. પંજાબમાં કુલ બેઠક 117 વિધાનસભા, કોંગ્રેસને મળી માત્ર 18 બેઠક. જ્યારે આમ આદમી પાર્ટીને 92 બેઠક મળી છે. એવામાં પંજાબની પાંચ રાજ્યસભા સીટો પર તેની અસર પડવાની છે. આમ આદમી પાર્ટીના ખાતામાં તમામ પાંચ રાજ્યસભાની બેઠક જવાની છે.

એનડીએ બહુમતનો આંકડો પાર કરશે:
આમ આદમી પાર્ટીએ પાંચેય સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. જ્યારે વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર નથી. એવામાં પાંચ બેઠક આમ આદમી પાર્ટીને મળશે તે નક્કી છે. આ રીતે  આમ આદમી પાર્ટીના રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 3થી વધીને 8 સુધી પહોંચી જશે. જ્યારે કોંગ્રેસને કેરળમાંથી એક અને અસમમાં પણ એક સીટ મળવાનું અનુમાન છે. ચૂંટણી પરિણામો પછી બીજેપીના રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 100 થઈ જશે. એનડીએ પહેલીવાર બહુમતનો આંકડો પાર કરી લેશે. બીજેપીના અત્યારે 97 સાંસદો છે. આ વર્ષના અંત સુધી વધીને તે 104 થઈ જશે. જ્યારે એનડીએ સાંસદોની સંખ્યા 122 સુધી જઈ શકે છે.

કોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે:
પંજાબમાં રાજ્યસભામાંથી સેવાનિવૃત થનારા સભ્યોમાં કોંગ્રેસમાંથી પ્રતાપ સિંહ બાજવા અને શમશેર સિંહ ડુલો, અકાલી દળના સુખદેવ સિંહ ઢીંઢસા અને નરેશ ગુજરાલ અને ભાજપના એસ મલિક છે. આ બધા સભ્યોની વાપસી નહીં થઈ શકે. જ્યારે બે અન્ય સભ્ય અકાલી દળના બલવિંદર સિંહ ભુંડર અને કોંગ્રેસના અંબિકા સોનીનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થશે. આ બંને બેઠક આપના ખાતામાં જઈ શકે છે.

કોંગ્રેસને સૌથી મોટું નુકસાન:
વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરાજય પછી સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. રાજ્યસભામાં હાલ કોંગ્રેસના 34 સાંસદ છે. જે વર્ષના અંત સુધી ઘટીને માત્ર 27 થઈ જશે. એવામાં કોંગ્રેસના કેટલાંક સભ્ય જો પાર્ટી છોડી દેશે તો આ આંકડો 25ની નીચે જતો રહેશે. તો સત્તાવાર રીતે વિપક્ષની ખુરશી ગુમાવી દેશે. કોંગ્રેસને મધ્ય પ્રદેશથી લઈને યૂપી, ઉત્તરાખંડ, પંજાબ, કેરળમાં રાજ્યસભા ચૂંટણીમાં નુકસાન ઉઠાવવું પડશે જ્યારે તમિલનાડુમાં એક સીટનો લાભ થઈ શકે છે.