મુંબઈઃ Omicron Cases In Mumbai: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મુંબઈમાં બે લોકોમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. બંને 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઓમિક્રોન છે કે નહીં તેની તપાસ માટે સેમ્પલ પુણેની NIV માં જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 10 થઈ ગઈ છે. દેશભરમાં અત્યાર સુધી 23 લોકોમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નવા ખતરાની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરટીપીસીઆર ટેસ્ટની કિંમત 500 રૂપિયાથી ઘટાડી 350 રૂપિયા કરી દીધી છે. તો હોમ કલેક્શન પર 800ની જગ્યાએ 700 રૂપિયા આપવા પડશે. 


ભારતમાં રવિવારે કોવિડ-19ના ઓમિક્રોન સ્વરૂપના 17 કેસ સામે આવ્યા હતા. જેમાંથી નવ કેસ જયપુરમાં, સાત મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં અને એક કેસ દિલ્હીમાં સામે આવ્યો હતો. જે લોકો સંક્રમિત આવ્યા છે તેમાંથી મોટાભાગના આફ્રિકી દેશોમાંથી આવ્યા છે. દેશમાં પ્રથમવાર કોવિડના ઓમિક્રોન સ્વરૂપના બે કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં સામે આવ્યા હતા. 


આ પણ વાંચોઃ દુનિયા બદલી, પરંતુ આપણી દોસ્તી નહીં... પુતિનને મળી બોલ્યા PM મોદી


કોરોનાના નવા પ્રકારોના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર વિદેશથી આવનારા પ્રવાસીઓ પર ચાંપતી નજર રાખી રહી છે. કેન્દ્ર સરકારે ઘણા દેશોને જોખમની યાદીમાં મૂક્યા છે. જે દેશોને ‘જોખમી’ દેશોની યાદીમાં મૂકવામાં આવ્યા છે તેમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ, ઈઝરાયેલ સહિતના યુરોપીયન દેશોનો સમાવેશ થાય છે.


વિશ્વ આરોગ્ય સંસ્થાએ 26 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા અને કેટલાક અન્ય દેશોમાં દેખાતા કોવિડના નવા સ્વરૂપને ઓમિક્રોન નામ આપ્યું હતું. તેણે ઓમિક્રોનને ચિંતાનું એક સ્વરૂપ પણ ગણાવ્યું. નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે વાયરસમાં આનુવંશિક ફેરફારોને કારણે તેની કેટલીક અલગ વિશેષતાઓ હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube