નવી દિલ્હી: કોરોના વાયરસનો નવો વેરિએન્ટ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરળમાં બુધવારે આ વેરિએન્ટના નવા 4-4 કેસ મળ્યા. જ્યારે તમિલનાડુમાં પણ એક કેસ સામે આવ્યો. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિએન્ટના 77 કેસ આવી ચૂક્યા છે. સૌથી વધુ 32 કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. આ બાજુ ગુજરાતમાં પણ એક નવો કેસ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રમાં ચાર નવા સંક્રમિતો મળ્યા તેમાં 2 દર્દી ઉસ્માનાબાદ, 1 મુંબઈ અને એક બુલઢાણાના છે. જેમાંથી 3 દર્દીઓનું રસીકરણ થઈ ચૂક્યું છે. સંક્રમિતોમાં એક મહિલા અને 16 થી 67 વર્ષના આયુવર્ગના 3 પુરુષ છે. તમામ રોગીઓ લક્ષણો વગરના છે. જ્યારે પ્રદેશમાં કોરોનાના નવા 925 કેસ નોંધાયા છે અને એક દિવસમાં 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. 


કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ?
દેશમાં અત્યાર સુધીમાં 11 રાજ્યો સુધી ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. જેમાં  મહારાષ્ટ્રમાં સૌથી વધુ 32 કેસ, રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 10 (નવા 4), ગુજરાતમાં 5 , કર્ણાટકમાં 3, તેલંગણામાં 2, કેરળમાં 5, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં એક-એક એમ થઈને અત્યાર સુધીમાં કુલ 78 કેસ નોંધાયા છે. 


આઈસોલેટ કરાયા 4 સંક્રમિત
પ્રાથમિક માહિતી મુજબ ઉસ્માનાબાદનો સંક્રમિત શારજાહથી આવ્યો હતો અને અન્ય રોગી તેના સંપર્કવાળો છે. આ સિવાય બુલઢાણાના વૃદ્ધ દુબઈથી પાછા ફર્યા હતા. અન્ય એક દર્દીએ મુંબઈથી આયરલેન્ડની મુસાફરી કરી હતી. આ તમામને હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા છે. આ સાથે જ તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરાઈ રહ્યા છે. 


સમગ્ર દુનિયામાં હડકંપ
અત્રે જણાવવાનું કે સમગ્ર દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટના વધતા કેસથી હડકંપ મચ્યો છે. વૈજ્ઞાનિકો આ વેરિએન્ટ અંગે વધુ જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકા અને યુકેના ડેટા મુજબ આ વેરિએન્ટ બાળકોને વધુ શિકાર બનાવી રહ્યો છે. બ્રિટિશ એક્સપર્ટ મુજબ આવનારા સમયમાં દરેક માટે આ વેરિએન્ટ એક મોટો પડકાર બનવાનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube