પાકે ઉરીમાં કર્યો સીઝફાયરનો ભંગ, એક જવાન શહીદ, જવાબી કાર્યવાહીમાં પાકની ચોકી નષ્ટ
ઉત્તર કાશ્મીરમાં એલઓસી પર છેલ્લા 48 કલાકની ખામોશી બુધવારે પાકિસ્તાનની સેના દ્વારા ઉરી સેક્ટરમાં સીઝફાયરના ઉલ્લંઘનની સાથે ભંગ થઈ ગઈ હતી.
શ્રીનગરઃ ભારતીય સેના સામે વારંવાર પછડાટ ખાધા બાદ પણ પાકિસ્તાન પોતાના નાપાક હરકત છોડી રહ્યું નથી. પાકિસ્તાની સૈનિકોએ એકવાર ફરી ઉરી સેક્ટરમાં એલઓસી પર ભારતીય ચોકીઓને નિશાન બનાવતા ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો છે. તો ભારતીય જવાનોએ પણ વળતો પ્રહાર કરતા ગોળીબાર કર્યો છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની નજર રાખતી એક મુખ્ય ચોકીને તબાહ કરી દીધી છે.
ઉત્તર કાશ્મીરમાં એલઓસી પર છેલ્લા 48 કલાકની ખામોશી બુધવારે પાકિસ્તાનની સેના દ્વારા ઉરી સેક્ટરમાં સીઝફાયરના ઉલ્લંઘનની સાથે ભંગ થઈ ગઈ હતી. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારીમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો હતો. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ પાકની એક ચોકીને નષ્ટ કરી હતી. તેમાં રહેલા પાંચ-છ જવાનને ઈજા અને એક જવાનનું મોત થયાની માહિતી છે. પરંતુ પાકિસ્તાની સેનાને થયેલા નુકસાનની સત્તાવાર ખાતરી થઈ શકી નથી.
પાકિસ્તાની સેનાની ગોળીબારીથી ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખતા પ્રશાસને ઉરી સેક્ટરમાં સિલીકોટ, નાંબલા, હથલંગા તથા તેની આસપાસના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે. આ સાથે મુખ્ય વિસ્તારમાં રહેતા તમામ લોકોને સંપૂર્ણ રીતે શાંતિ થાય ત્યાં સુધી પોતાના ઘરની બહાર પાકિસ્તાનની સીધી રેન્જમાં આવતા સ્થાનો પર ન જવાની સલાહ આપવામાં આવી છે. વહીવટી અધિકારીઓએ ઉરી સેક્ટર સહિત ઉત્તર કાશ્મીરમાં નૌગામ, ટંગડાર, કેરન, કરનાહ, કંજલવાન, ગુરેજ, તુલૈલમાં તમામ મુખ્ય ચોકીઓ પર તૈનાત અધિકારીઓ તથા જવાનોને સંપૂર્ણ રીતે સાવચેત રહેવા અને દુશ્મનને વળતો જવાબ આપવાની સુચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube