રાયપુર/નવી દિલ્હીઃ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની ચાલી રહેલી ચર્ચા પર શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે પૂર્ણવિમામ લગાવી દીધું છે. આગામી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાયપુર પહોંચેલા ઓ.પી. રાવતે જણાવ્યું કે, 'અમારી અહીં હાજરીથી એ બાબત સ્પષ્ટ થાય છે કે અમારી તૈયારી જૂદી-જૂદી ચૂંટણી કરાવાની છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે જણાવ્યું કે, છત્તિસગઢમાં ચૂંટણી મોડેથી નહીં પરંતુ સમયસર જ યોજાશે. તેમણે અહીં અધિકારીઓ અને એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે, હજુ ઘણું કામ બાકી છે. 


તેમણે જણાવ્યું કે, મતદારોને સશક્ત બનાવા માટે નવી એપ્લિકેશન તૈયાર કરાઈ છે, જેના દ્વારા કોઈ પણ મતદાર કોઈ વ્યક્તિના ફોટો, વીડિયો અને વિગતો સાથે ફરિયાદ કરી શકે છે. તેમણે જણાવ્યું કે, ફરિયાદ કરનારી વ્યક્તિની ઓળખને ગુપ્ત રાખવામાં આવશે. 


તેમણે વધુમાં જણાવ્યું કે, બેથી ત્રણ વર્ષથી એક જ જગ્યા પર કામ કરી રહેલા અધિકારીની બીજી જગ્યાએ બદલી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સરહદી રાજ્યોમાં પણ કેટલાક બહારના લોકો મતદાન કરે છે, જેને રોકવાના પ્રયાસ કરાશે. દારૂબંદી માટે પણ રાજકીય પક્ષોએ માગ કરી છે. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે, દરેક સ્તરે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા થશે. બિનજામીનપાત્ર ગુનાઓના કેસમાં અધિકારીઓને સખત શબ્દોમાં સુચના આપવામાં આવી છે. 


મુખ્ય ચૂંટણી કમિશનરે અધિકારીઓ દ્વારા રાજીનામું આપીને રાજકીય પક્ષોમાં જોડાવા અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, એવું ન થાય તેના માટે અમે ગંભીરતાથી ધ્યાન આપી રહ્યા છીએ. આઈએએસ ઓ.પી. ચૌધરીનું રાજીનામું મંજૂર થવા અને ત્રણ ડીએસપી સહિત સાત રાજ્ય સેવાનાં અધિકારીઓનું રાજીનામું મંજૂર ન કરવાના પ્રશ્ન પર તેમણે જણાવ્યું કે, અમે એ બાબતની તપાસ કરીશું અને સંજ્ઞાન લઈને તેના પર ગંભીર ચર્ચા કરીશું. તેમણે જણાવ્યું કે, અમારા અધિકારી નિષ્પક્ષ રહીને ચૂંટણી કરાવશે.