નવી દિલ્હીઃ આપણે ત્યાં કહેવત છે કે, 'રામ રાખે તેને કોણ ચાખે'. આવી જ એક ઘટના મથુરા રેલવે સ્ટેશન પર જોવા મળી છે. અહીં એક મહિલના હાથમાંથી એક વર્ષની બાળકી હાથમાંથી છટકીને રેલવે ટ્રેક ઉપર પડી ગઈ. હજુ મહિલા કંઈ સમજે એ પહેલાં તો ટ્રેક પર ધસમસતી ટ્રેન આવી પહોંચી. ટ્રેન બાળકી ઉપરથી પસાર પણ થઈ ગઈ, પરંતુ બાળખી હેમખેમ બચી ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાથી રેલવે સ્ટેશન પર હાજર સૌ કોઈ અચંભિત રહી ગયા હતા. હવે, સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને બધા જ લોકો બાળકી પર ઈશ્વરના આશિર્વાદ વરસ્યા હોવાનું જણાવી રહ્યા છે. 


કાળજું કંપાવી મુકે તેવી મથુરા રેલવે જંક્શન પર બનેલી ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે, અહીં એક મહિલા પ્લેટફોર્મની ધાર પર ઊભી હતી, તેના હાથમાંથી એક વર્ષની બાળકી અચાનક જ છટકીને નીચે રેલવે ટ્રેક પર પડી. હજુ તે નીચે ઉતરીને બાળકીને ઉંચકે તે પહેલા જ ધસમસતી ટ્રેન આવી પહોંચી હતી. 



બાળકી ટ્રેક ઉપર પડેલી હતી અને ટ્રેન તેના ઉપરથી પસાર થઈ રહી હતી. લોકો શ્વાસ થંભાવીને ટ્રેનના પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા અને સાથે જ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા કે બાળકીને કંઈ થાય નહીં. 


ટ્રેન જેવી પસાર થઈ કે લોકો ટ્રેક ઉપર કૂદી પડ્યા હતા. નીચે જઈને જોયું તો બાળકી હેમખેમ હતી. આ જોઈને પ્લેટફોર્મ પર હાજર સહુ કોઈની ખુશીનો પાર રહ્યો ન હતો. બાળકીને કોઈ પણ જાતની ઈજા પહોંચી ન હતી. લોકોએ તરત જ બાળકીને ઊંચકીને તેની માતાને સુપરત કરી હતી. 


બાળકીને સહીસલામત જાણીને માતાના જીવમાં જીવ આવ્યો હતો અને તેની આંખમાંથી હર્ષાશ્રૃ વહેવા લાગ્યા હતા. પ્લેટફોર્મ પર હાજર સૌ કોઈએ બાળકીને આશિર્વાદ આપ્યા હતા.