100 રૂપિયે કિલો ડુંગળીઃ લો બોલો, ભાવ વધવાનું ઠીકરું કેન્દ્ર સરકારે વરસાદ-પૂરના માથે ફોડ્યું !!!
કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે, `ચાલુ વર્ષે હવામાન ખરાબ રહેવાના કારણે વાવણી ઓછી થઈ હતી અને કેટલીક જગ્યાએ વરસાદ અને પુરના કારણે ડુંગળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.`
નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીના ભાવ એક કિલોના રૂ.100 સુધી પહોંચી ગયા છે. સરકાર પાસે હવે સ્ટોકમાં માત્ર 1500 ટન ડુંગળી જ બચી છે, જ્યારે બે મહિના પહેલા 57,000 ટન ડુંગળી હતી. કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને ડુંગળીના વધી ગયેલા ભાવ માટે વરસાદ અને પૂરને જવાબદાર ઠેરવ્યા છે. સરકારના અનુસાર આ વર્ષે દેશમાં ડુંગળીનું 40 ટકા ઓછું ઉત્પાદન થયું છે.
ડુંગળીના વધતા જઈ રહેલા ભાવ અંગે કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે, "ચાલુ વર્ષે હવામાન ખરાબ રહેવાના કારણે વાવણી ઓછી થઈ હતી અને કેટલીક જગ્યાએ વરસાદ અને પુરના કારણે ડુંગળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં ચર્ચા થઈ કે ચાલુ વર્ષે 30%થી 40% જેટલું ઓછું ઉત્પાદન થયું છે. જેના કારણે માગ અને પુરવઠામાં 40%નું અંતર આવ્યું છે. સામાન્ય રીતે નવેમ્બરમાં ડુંગળીના ભાવ ઘટી જાય છે, પરંતુ આ વખતે મુશ્કેલી પડી રહી છે."
ડૂંગળીના ભાવ ભારતમાં આભને આંબ્યા છે ત્યારે આ ચાર દેશ આવ્યા મદદે
સરકારના અનુસાર આ વખતે ડુંગળી ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઓછું ઉત્પાદન થયું છે. હવે આ ઘટને પુરી કરવા માટે સરકાર અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી અને ઈજિપ્ત પાસેથી ડુંગળીની આયાત કરવાનું વિચારી રીહ છે. આ આયાત વહેલી થાય તેના માટે કૃષિ મંત્રાલયે આયાતના નિયમોમાં 30 નવેમ્બર સુધી છુટ આપી છે.
ડુંગળીના વધી ગયેલા ભાવ અત્યારે કેન્દ્ર સરકારનો માથાનો દુખાવો બનેલા છે. સરકાર હાલ તેનો કોઈ વચગાળાનો ઉકેલ શોધી શકી નથી. ઉલ્લેખનીય છે કે, 1998માં માત્ર ડુંગળીના વધી ગયેલા ભાવના કારણે દિલ્હીમાં ભાજપની સરકાર પડી ગઈ હતી.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube