J&Kમાં દેશ વિરોધી તત્વોની ખેર નથી: સૈન્યપ્રમુખ, DGPએ આપ્યો સંકેત
રાજ્યપાલ શાસન લાગુ હોવાનાં કારણે કોઇ રાજનીતિક દબાણ નહી આવે જેથી અધિકારીઓ મુક્ત રીતે કામ કરી શકશે
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તી સરકાર પડી ગયા બાદ બુધવારે રાજ્યપાલ એન.એન વોહરાએ રાજ્યની કમાન સંભાળી. કાશ્મીરમાં આ સાથે જ તમામ તંત્રની હલચલ પણ ચાલુ થઇ ચુકી છે. પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં ખાસ રહી ચુકેલા મુખ્ય સચિવ(ગૃહ) બીવીઆર સુબ્રમણ્યમને કાશ્મીર લાવવામાં આવ્યા છે. બીજી તરફ સુરક્ષાદળોએ પણ પોતાની કાર્યવાહી વધારી દીધી છે. બુધવારે ડીજીપી એસપી વૈદે પણ પ્રેશર ફ્રી હોવાના સંકેત આપતા કહ્યું કે, આગામી દિવસોમાં આતંકવાદીઓ વિરુદ્ધનાં ઓપરેશનમાં ઝડપ આવશે.તેમણે કહ્યું કે, ગવર્નર શાસન દરમિયાન પોલીસ માટે કાર્યવાહી ખુબ જ સરળ હોય છે.
વૈદે કહ્યું કે, અમારા ઓપરેશન ચાલુ રહેશે. રમઝાન દરમિયાન ઓપશન્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ઓપરેશન્સ પહેલાથી જ ચાલતા હતા પરંતુ હવે તેને વધારે ઝડપી બનાવવામાં આવશે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, રાજ્યપાલ શાસનથી તેમની કામગીરી પર કોઇ અસર થશે. તેમણે કહ્યું કે, મારા મત અનુસાર કામગીરી વધારે સરળ અને સુચારુ બનશે. વૈદે કહ્યું કે, આતંકવાદીઓએ રમઝાન દરમિયાન મુકાયેલા સિઝફાયરનો ખુબ જ ગેરફાયદો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે, રમઝાન દરમિયાન કેમ્પ પર થનારા હૂમલાનો પ્રત્યુતર આપવાની પરવાનગી હતી પરંતુ અમારી પાસે કોઇ ગુપ્ત માહિતી હોય તો તેના માટે ઓપરેશન લોન્ચ કરવાની પરવાનગી નહોતી. જેથી આતંકવાદીઓને સિઝફાયર થકી ઘણી મદદ મળી હતી.
બીજી તરફ દિલ્હીમાં એક કાર્યક્રમ બાદ સેનાપ્રમુખ બિપિન રાવતે પણ જમ્મુ કાશ્મીરમાં સૈન્ય પ્રવૃતી ઉગ્ર બનશે તેવા સંકેત આપ્યા હતા. સેના પ્રમુખે કહ્યું કે, અમે ઓપરેશન્સ માત્ર રમઝાનના પવિત્ર માસને ધ્યાને રાખીને બંધ કર્યા હતા, જો કે જે થયું તે બધાએ જોયું. ગવર્નર રૂલ લાગુ થવાનાં કારણે અમારી કાર્યપદ્ધતી પર કોઇ જ અસર નહી પડે. અમારા ઓપરેશન્સ પહેલાની જેમ જ પુર્વવત ચાલુ થશે અને અમારા પર કોઇ રાજનીતિક દબાણ નહી હોય.
બદલીઓનો ગંજીફો ચિપાવા લાગ્યો
છત્તીસગઢનાં એડીશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) બીવીઆર સુબ્રમણ્યમને બુધવારે જમ્મુ કાશ્મીર મોકલી દેવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ એવું કરવામાં આવ્યું છે. મંત્રીમંડળની નિયુક્તિ સમિતીએ મંગળવારે સાંજે જ બદલીને મંજુરી આપી દીધી હતી. સુબ્રમણ્યમ 1987 બેચના આઇએએસ અધિકારી છે. 2002થી 2007 દરમિયાન તેઓ પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં અંગત સચિવ પણ રહી ચુક્યા છે. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી થઇ શક્યું કે, તેઓ રાજ્યપાલ એન.એન વોહરાનાં અંગત સલાહકાર તરીકે કામ કરશે કે રાજ્યનાં મુખ્ય સચિવ તરીકે કામ કરશે.
આક્રમક અધિકારીઓને આગળ કરાશે
ઉચ્ચપદસ્થ સુત્રોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર કેટલાક સ્થાનિક નેતાઓ પથ્થરમારો કરતા લોકોને છાવરતા હોય છે અથવા આડકતરું સમર્થન આપતા હોય છે. .જો કે હવે કોઇ રાજનીતિક દબાણ નહી હોવાનાં કારણે સેન્સેટિવ વિસ્તારોમાં આક્રમક અધિકારીઓની પોસ્ટિંગ કરાશે અને કડક હાથે કાર્યવાહી કરવા માટેની છુટ અપાશે. કોઇ પણ અધિકારી પર રાજનીતિક દબાણ નહી હોવાનાં કારણે તે યોગ્ય કામગીરી કરી શકશે. હાલમાં ઘણા એવા આક્રમક અને કાબિલ અધિકારીઓ છે જેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હોય.