નવી દિલ્હીઃ આ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધી 10 રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે 1400થી વધુ લોકોના મોત થયા છે. તેમાં કેરલમાં જીવ ગુમાવનારા 488 લોકો સામેલ છે. ગૃહ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી છે. રાષ્ટ્રીય હોનારત પ્રતિભાવ કેન્દ્ર (એનઈઆરસી) પ્રમાણે કેરલમાં વરસાદ અને પૂરને કારણે 488 લોકોના મોત થયા અને રાજ્યના 14 જિલ્લામાં આશરે 54.11 લાખ લોકો પ્રભાવિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરલમાં આ છેલ્લી એક સદીની સૌથી ખરાબ સ્થિતિ હતી. રાજ્યભરમાં પૂરથી લગભગ 14.52 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. આ લોકોને હાલમાં રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. આ દક્ષિણી રાજ્યમાં 57,024 હેક્ટરથી વધુ જમીન પર લાગેલો પાક બરબાદ થઈ ગયો છે. એનઈઆરસી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 254, બંગાળમાં 210, કર્ણાટકમાં 170, મહારાષ્ટ્રમાં 139, ગુજરાતમાં 52, આસામમાં 50, ઉત્તરાખંડમાં 37, ઓડિશામાં 29 અને નાગાલેન્ડમાં 11 લોકોના મોત થયા છે. આ દરમિયાન આ રાજ્યોમાં 43 લોકો લાપતા થયા છે. 


કેરલમાં 15, યૂપીમાં 14, બંગાળમાં પાંચ, ઉત્તરાખંડમાં 6 અને કર્ણાટકમાં 3 લોકો લાપતા થયા છે. જ્યારે આ 10 રાજ્યોમાં પૂરથી સંબંધિત ઘટનાઓમાં 386 લોકોને ઈજા થઈ હતી. ઓડિશામાં 30 જિલ્લા, મહારાષ્ટ્રમાં 26 જિલ્લા, આસામમાં 25, ઉત્તર પ્રદેશમાં 23, પશ્ચિમ બંગાળમાં 23, કેરલમાં 14, કર્ણાટકમાં 11, નાગાલેન્ડમાં 11 અને ગુજરાતના 10 જિલ્લા વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા હતા. આસામમાં આશરે 11.47 લાખ લોકો વરસાદ અને પૂરની ઝપેટમાં આવી ગયા હતા. જ્યારે રાજ્યની 27,964 હેક્ટર જમીન પર લાગેલો પાક પણ બરબાદ થઈ ગયો છે. 


તો પશ્ચિમ બંગાળમાં વરસાદ અને પૂરથી 2.28 લાખ લોકો પ્રભાવિત થયા અને રાજ્યની 48,552 હેક્ટર જમીન પર પાક બરબાદ થયો છે. ઉત્તર પ્રદેશમાં પૂરથી આશરે 3.42 લાખ લોકો પ્રભાવિત થયા અને 50,873 હેક્ટર જમીન પર પાકને નુકસાન થયું છે. કર્ણાટકમાં આશરે 3.5 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા અને રાજ્યમાં 3521 હેક્ટર જમીન પર પાક નિષ્ફળ ગયો છે.