હૈદરાબાદઃ જમ્મૂ-કાશ્મીરમાં મહબૂબા મુફ્તી દ્વારા રાજીનામું આપવા પર એઆઈએમઆઈએમના પ્રમુથ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ ઈચ્છતી હતી કે જમ્મૂ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવે. તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરની ખરાબ સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે. ઓવૈસીએ કહ્યું કે,  ભાજપ જમ્મૂ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાવવા ઈચ્છે છે. તેનાથી ત્યાંની સ્થિતિ સુધરવાને બદલે બગડશે. તેનાથી રાજ્યમાં દમન વધશે. 



મુફ્તી તરફથી રાજીનામું આપ્યા પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિચ ડોભાલ વચ્ચે થયેલી મુલાકાત પર પણ એઆઈએમઆઈએમના પ્રમુથ ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, દેશ જાણવા માંગે છે કે, અમિત શાહ અને એનએસએ ડોભાલ વચ્ચે મુલાકાતમાં શું વાતચીત થઈ. તેમણે કહ્યું કે, એનએસએ અજિત ડોભાલે માત્ર એક રાજકીય પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ સાથે મુલાકાત કરી. ડોભાલ  તમામ રાજકીય પાર્ટીના અધ્યક્ષોને કેમ ન મળ્યા. મહત્વનું છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે મંગળવારે સવારે 11.30 કલાકે મુલાકાત થઈ હતી. ત્યારબાદ બપોરે 2.30 કલાકે ભાજપ અને પીડીપી વચ્ચે ગઠબંધન તૂટવાના સમાચાર આવ્યા.