ઓવૈસીનો વધુ એક આરોપ : ટ્રિપલ તલાકના બહાને મોદીએ શરીયત સામે નિશાન તાક્યું
ઓવૈસીની માગણી છે કે સરકારે ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓ માટે બજેટમાં મહિને 15 હજાર રૂપિયા સહાયની વ્યવસ્થા કરવી જોઈએ
નવી દિલ્હી : ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકારના અભિગમ વિશે વાત કરતા એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નિવેદન આપ્યું છે કે આ મામલે મહિલાઓે ન્યાય આપવાની વાત તો એક બહાનું છે પણ હકીકતમાં તેમના નિશાના પર શરિયત છે. આ સાથે જ તેણે ટ્રિપલ તલાકથી પીડિત મહિલાોના ભરણપોષણ માટે મહિને 15 હજાર રૂ. જેટલું ભથ્થું મળે એવી ખાસ જોગવાઈ બજેટમાં કરવાની માગણી કરી છે.
ઓવૈસીના દાવા પ્રમાણ સરકારે બજેટમાં એ વાત સુનિશ્ચિત કરવી જોઈએ કે જે મહિલાઓને ટ્રિપલ તલાક આપવામાં આવ્યા છે તેમને ભરણપોષણ માટે 15 હજાર રૂ. મળે. તેમણે પીએમ મોદી પર વ્યંગ કર્યો છે કે 15 લાખ નહીં તો 15 હજાર તો આપો મિત્રો. ઉલ્લેખનીય છે કે ટ્રિપલ તલાકને લગતું બિલ શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાંથી પસાર થઈ ગયું છે પણ વિધાનસભામાંથી પસાર નથી થઈ શક્યું.
'પદ્માવત'નો વિરોધ
બોલિવૂડની વિવાદાસ્પદ ફિલ્મ ''પદ્માવત''ને બકવાસ ગણાવીને અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને કહ્યું છે કે એને જોવામાં સમય ન બગાડતા. હૈદારબાદથી લોકસભાના સભ્ય એવા ઓવૈસીએ બુધવારે વારંગલ જિલ્લામાં એક જનસભાને કહ્યું છે કે આ ફિલ્મ જોવા ન જતા. આ ફિલ્મ બકવાસ છે અને મુસ્લિમ સમાજે તો રાજપૂત સમાજ પાસેથી શીખવું જોઈએ કે તેઓ કઈ રીતે ફિલ્મ રિલીઝ ન થવા માટે એકતા જાળવી રહ્યા છે.
સબસિડી મામલે સવાલ
હજ સબસિડી મામલે સરકારના ફેંસલાને પણ ઓવૈસીએ ટાર્ગેટ કર્યો છે. બીજેપી દ્વારા આને મુસ્લિમોના તુષ્ટિકરણ અને વોટ બેંકના હથિ્યાર ગણાવવા મામલે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પાર્ટીની સરકારે તીર્થયાત્રા માટે ધન આપ્યું છે અને શું એને બંધ કરવાની હિંમત કરવામાં આવશે? સરકાર દ્વારા કુંભ મેળા માટે પણ ધન આપવામાં આવે છે જ્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકાર ચારધામ યાત્રા માટે અનુદાન પણ આપે છે.
વર્ષો જૂની માંગ
હજ સબસિડી વિશે ઔવેસીએ જણાવ્યું છે કે હું પોતે વર્ષોથી હજ સબસિડી ખતમ કરવાની માગણી કરી રહ્યો છું. આ મામલે તેમણે ટ્વીટ કર્યું હતું કે 'આ વર્ષે હજ સબસિડી 200 કરોડ રૂ. છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે એ 2022 સુધી બંધ થવી જોઈએ. હું 2006થી માગણી કરું છું આ હજ સબસિડી બંધ કરી દેવી જોઈએ અને રકમનો ઉપયોગ મુસ્લિમ છોકરીઓના શિક્ષણ પાછળ થવો જોઈએ.'