કાશ્મીર મુદ્દે પાક.ની નવી ચાલ, સમગ્ર કાશ્મીરમાં મતદાનની કરી માંગણી !
પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે અમે બેસીને વાટાઘાટો કરવા તૈયાર છીએ પરંતુ શું ભારત તૈયાર છે ?
નવી દિલ્હી : પાકિસ્તાને ભારત સાથે મતભેદ અંગે વાતચીત માટે નવો પાસો ફેંક્યો છે. પાડોશી રાષ્ટ્રનાંવિદેશ મંત્રી શાહ મહમ્મદ કુરૈશીએ કહ્યું કે, પાકિસ્તાન સરકાર ભારત સાથે વાતચીત માટે તૈયાર છે. સ્કાઇ ન્યૂઝ સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં કુરેશીને પુછવામાં આવ્યું કે, શું પાકિસ્તાનની કાશ્મીરને આઝાદ કરવાની યોજના છે, જેનાં જવાબમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાને આગળ વધવા માટે જણાવ્યું છે. ભારત અધિકૃત કાશ્મીરમાં પરિસ્થિતી સતત વણસી રહી છે. આ પરિસ્થિતી અંગે ન માત્ર અમારા વડાપ્રધાન પરંતુ સંયુક્ત રાષ્ટ્ર અને હાઉસ ઓફ કોમર્સ દ્વારા રચાયેલી ઓલ પાર્ટી સંસદીય સમુહ પણ કહી રહી છે કે ભારતમાં હાલ કેવી નીતિથી કાશ્મીરને ચલાવાઇ રહ્યું છે.
ઇન્ટરવ્યુમાં તે ઉલ્લેખ કરવામાં આવ્યો કે, કાશ્મીરમાં એવા ઘણા લોકો છે જે પાકિસ્તાનની શરતો પર આઝાદી ઇચ્છે છે, જેના જવાબમાં કુરેશીએ કહ્યું કે, ઠીક છે તો આવો એક જનમત સંગ્રહ કરીએ, લોકોને જ નિર્ણય કરવા દો.આ એક વચન હતું. યુએન એજન્ડામાં ભારત તરફથી કરવામાં આવેલું એક વચન હતું. લોકોને પોતાને નિર્ણય લેવાની આઝાદી તો આપો. ત્યાર બાદ જે પણ ચુકાદો આવશે પાકિસ્તાન તેને માનવા માટે તૈયાર છે.
કુરેશીએ કહ્યું કે, હું તમારી ચેનલનાં માધ્યમથી ભારતીયોને કહેવા માંગુ છું કે આવો આ મુદ્દાને બેસીને ઉકેલીએ. સમગ્ર કાશ્મીર વિવાદ મુદ્દે અમે બેસીને વાટાઘાટો કરવા માટે સંપુર્ણ તૈયાર છીએ. પરંતુ શું ભારત છે ? અમે જનમત સંગ્રહનાં પણ પક્ષમાં છીએ. સ્થાનિક લોકો પાસે મતદાન કરાવવામાં આવે અને સ્થાનિક નાગરિકો જે ઇચ્છતા હોય તે મતદાનનાં પરિણામ પરથી સ્પષ્ટ થાય તે પ્રમાણે કરવા માટે પાકિસ્તાન તૈયાર છે.