પાક.ના ગોળીબારને ભારતનો જડબાતોડ જવાબ, 3 સૈનિક- અનેક ચોકીઓ તબાહ
ભારતીય સેના દ્વારા જવાબી ગોળીબારમાં પાકિસ્તાનમાં મોટું નુકસાન પહોંચ્યું છે, પાકિસ્તાને સ્વીકાર્યું કે ભારત તરફથી થયેલી વળતી કાર્યવાહીમાં તેના સૈનિકોનાં મોત થયા છે
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાને કારણે તણાવ વધી રહ્યો છે. મંગળવારે પાક. સેનાએ કરેલી કાર્યવાહીના જવાબમાં ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. પૂંછ, મેંઢરમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે પાકિસ્તાનની સેનાને મોટું નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ISPR અને રેડિયો પાકિસતાને મંગળવારે બે સુબેદાર અને બે સૈનિકોના ભારતીય ગોળીબારમાં મોત થયાનું સ્વીકાર્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે, પાક. અધિકૃત કાશ્મીરના બાલાનોઈ, કોટલી, રકચક્રી અને રાવલકોટમાં પાકિસ્તાની સેનાની અનેક પોસ્ટ નાશ પામી છે. નિયંત્રણ રેખાને અડીને આવેલા આ વિસ્તારોમાં આતંકવાદીના સંરક્ષણ કેમ્પો આવેલા છે અને લોન્ચ પેડ્સ પણ ગોઠવેલા છે. અહીંથી જ કાશ્મીરમાં ઘુસણખોરી કરવામાં આવે છે.
પાકિસ્તાની સેના પુલવામા હુમલા બાદ દરરોજ નિયંત્રણ રેખાને અડીને આવેલા ભારતીય ગામડાઓમાં ભીષણ ગોળીબારી કરી રહ્યું છે. આજે પુંછ જિલ્લાના શાહપૂર વિસ્તારમાં પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારતના 5 નાગરિકો ઘાયલ થયા હતા, જેમને ઈલાજ માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
આતંકવાદીઓ નહીં પરંતુ હવે પાકિસ્તાનને જ નાખવામાં આવશે બ્લેકલીસ્ટમાં, જાણો કારણ
ગયા અઠવાડિયે પણ પાકિસ્તાને પીર પંજાળ પર્વતમાળા, દક્ષિણ પુંછ, મેંઢર, રાજોરી, અખનૂર અને નૌશેરાના ગામોમાં મોટાપાયે ગોળીબારી અને મોર્ટાર મારો કર્યો હતો. સોમવારે પાકિસ્તાનના ગોળીબારમાં BSFના એક ઈન્સપેક્ટરનું મોત થયું હતું. ત્યાર બાદ ભારતે પણ હવે જવાબ આપવાનું શરૂ કર્યું છે. ભારતે પાકિસ્તાની પોસ્ટને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કર્યો છે.