ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તેમની સંસદમાં જાહેરાત કરી છે કે તેમનો દેશ ભારતીય પાઈલટને આવતીકાલે ભારતને પરત સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાન પર ચારેય તરફથી ભરપૂર દબાણ બનાવ્યું હતું અને ભારતના ચક્રવ્યૂહમાં પાકિસ્તાન સંપૂર્ણપણે ફસાઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ જ્યારે ભારતીય સીમામાં પ્રવેશ કર્યો ત્યારે ભારતના મીગ-21 વિમાનની ટૂકડીએ તેમનો પીછો કરીને તેમને ભગાડી મુક્યા હતા. આ કાર્યવાહીમાં ભારતની એક મીગ વિમાન પીઓકેમાં તુટી પડ્યું હતું અને તેના કમાન્ડર અભિનંદન પાકિસ્તાની સેનાના હાથમાં આવી ગયા હતા. પાકિસ્તાની સેનાએ તેમને કબ્જામાં લઈને ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 


ત્યાર બાદ ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે, જો ભારતીય વાયુસેનાના પાઈલટને પરત સોંપવાથી ભારત સાથે તણાવ ઓછો થાય છે તો પાકિસ્તાન આ મુદ્દે વિચાર કરવા તૈયાર છે. ભારતે બુધવારે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને વિદેશ મંત્રાલયમાં બોલાવીને ભારતીય પાઈલટને તાત્કાલિક છોડી દેવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે જ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી મસૂદ અઝહરની હાજરી અને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓના પુરાવા સાથેનું ડોઝિયર પણ સોંપ્યું હતું. 


બીજી તરફ વૈશ્વિક સમુદાય તરફથી પણ પાકિસ્તાન પર દબાણ પેદા થયું હતું. આ બધા જ સંજોગો ઊભા થયા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ગુરુવારે સંસદમાં ભારતીય પાઈલટને પરત સોંપી દેવા અંગેની જાહેરાત કરી હતી.