આતંકી મસૂદ અઝહરના મોતના સમાચાર પર પાકિસ્તાને મૂક્યું ફૂલસ્ટોપ, કહ્યું-નથી માર્યો ગયો
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહરના મોતના સમાચારોનું પાકિસ્તાની મીડિયાએ ખંડન કર્યું છે. પાકિસ્તાની મીડિયાએ મસૂદ અઝહરના પરિવારના નજીકના સૂત્રોના હવાલાથી કહ્યું કે, મસૂદ અઝહર જીવતો છે.
ઈસ્લામાબાદ : આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહરના મોતના સમાચારોનું પાકિસ્તાની મીડિયાએ ખંડન કર્યું છે. પાકિસ્તાની મીડિયાએ મસૂદ અઝહરના પરિવારના નજીકના સૂત્રોના હવાલાથી કહ્યું કે, મસૂદ અઝહર જીવતો છે. સોશિયલ મીડિયા પર સતત મસૂદ અઝહરના પાકિસ્તાનમાં મોતના સમાચાર આવી રહ્યાં છે. આ ખબરોમાં કહેવામાં આવી રહ્યું છે કે, મસૂદનું મોત લીવર કેન્સરથી થયું છે.
મસૂદ અઝહરનું મોતનું ખંડન કરતા પાકિસ્તાની ચેનલ જિયો ઉર્દૂ ન્યૂઝે કહ્યું કે, અઝહર જીવતો છે. જોકે, ચેનલે તેના સ્વાસ્થય વિશે કોઈ અન્ય માહિતી આપી નથી. તો, જૈશનો વડા મસૂદ અઝહરના પાકિસ્તાનનમાં મોત વિશે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર વિશે ગુપ્તચર એજન્સીઓએ હાલ માહિતી એકઠી કરવામાં લાગી ગઈ છે. અધિકારીઓએ કહ્યું કે, તેમને આ સિવાય કોઈ માહિતી નથી, અઝહરની સારવાર સેનાની હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની કીડનીઓ ખરાબ થઈ ગઈ છે.
જિયો ઉર્દૂ ન્યૂઝે જણાવ્યું કે, જે મીડિયા રિપોર્ટસમાં જૈશ-એ-મોહંમદના નેતાના માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે, તે ખોટો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એ અટકળો વચ્ચે આવ્યા છે, કે આ આતંકી સંગઠનના સંસ્થાપકના મોત થયા છે. મસૂદ અઝહરના પરિવારના નજીકના અજ્ઞાત સૂત્રોનો હવાલો આપતા આ ચેનલે કહ્યું કે, અઝહર જીવતો છે. તેના સ્વાસ્થય વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંઘીય સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ અઝહરના મોતના દાવાવાળા મીડિયા રિપોર્ટસ વિશે પૂછવામાં આવતા પીટીઆઈ-ભાષાને કહ્યું કે, મને હાલ આ વિશે કંઈ પણ માલૂમ નથી.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરના રહેવાસી અઝહરે વર્ષ 2000માં જૈશ-એ-મોહંમદ આતંકી સંગઠન બનાવ્યું હતું. વર્ષ 1999માં તત્કાલીન એનડીએ સરકારે ઈન્ડિયન એરલાઈન્સના અપહ્યત વિમાન આઈસી-814ને છોડાવવાના બદલામાં અઝહરને મુક્ત કર્યો હતો. 50 વર્ષના અઝહર પર 2001ના સંસદના હુમલાનું ષડયંત્ર રચવાનો, જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આત્મધાતી હુમલો અને પઠાણકોટ વાયુ સેના કેન્દ્ર તથા પુલવામા આતંકી હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ગઈકાલે વ્યાપક રીતે આ સમાચાર ચાલી રહ્યા છે કે, અઝહરના મોત થઈ ચૂક્યા છે. પંરતુ હાલ આ વિશે કોઈ પુષ્ટિ થઈ નથી. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના આતંકી શિબિરને નિશાન બનાવ્યું હતું. સરકારે આતંકી શિબિરોને તબાહ કરવાનો દાવો કરતા મોટી સફળતા મળવાની વાત કહી હતી.
તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ સીએનએને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જૈશ પ્રમુખ અઝહર પાકિસ્તાનમાં છે અને તેની હેલ્થ બહુ જ ખરાબ છે. પરંતુ તેમણે એમ પણ કહ્યુ કે, જો ભારત યોગ્ય પુરાવા રજૂ કરે તો પાકિસ્તાન સરકાર તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. કુરેશીએ કહ્યું હતું કે, તે મારી માહિતી મુજબ પાકિસ્તાનમાં જ છે, અને એટલો બીમાર છે કે ઘરમાંથી નીકળી શક્તો નથી.