નવી દિલ્હી: પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની હત્યાના મામલે તપાસ કરી રહેલી એસઆઈટીએ આ કેસ ઉકેલી લીધો હોવાનો દાવો કર્યો છે. એસઆઈટીએ કહ્યું છે કે તેમણે એ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે જેણે ગૌરી લંકેશની હત્યા કરી હતી. આ સાથે આરોપીએ પોતાનો ગુનો પણ કબુલ્યો છે. પરશુરામ વાઘમોરે નામના આ વ્યક્તિની એસઆઈટીએ ઉત્તર કર્ણાટકના વિજયપુરાથી ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ 26 વર્ષના વાઘમોરેનું કહેવું છે કે તેણે જ્યારે ગૌરી લંકેશની મારી ત્યારે તેને ખબર નહતી કે તેણે કોને મારવાનું છે. અત્રે જણાવવાનું કે બેંગ્લુરુના આરઆર નગરમાં 5 સપ્ટેમ્બર 2017ના રોજ રાતે ગૌરી લંકેશની ગોળી મારીને નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓએ તેમના પર એક પછી એક એમ ચાર ગોળી છોડી હતી. એસઆઈટીના સૂત્રોના જણાવ્યાં મુજબ વાઘમોરેનું કહેવું છે કે 'મે 2017માં મને કહેવામાં આવ્યું હતું કે આપણે આપણા ધર્મને બચાવવા માટે કોઈને મારવાનું છે. હું ત્યારે જાણતો નહતો કે તે કોણ છે. પરંતુ હવે વિચારું છું કે મારે એક મહિલાને મારવી જોઈતી નહતી. '


વાઘમોરેએ એસઆઈટી સામે કબુલ કર્યું કે તેને 3 સપ્ટેમ્બરે બેંગ્લુરુ લાવવામાં આવ્યો હતો. બેલગાવીમાં તેને એરગનની ટ્રેનિંગ આપવામાં આવી. વાઘમોરેએ એમ પણ કહ્યું કે 'સૌથી પહેલા મને એક ઘરમાં લઈ જવામાં આવ્યો. તેના બે કલાક બાદ એક બાઈક સવારે મને લઈ ગયો અને જ્યાં મારે ગોળીથી ઉડાવવાના હતાં તે ઘર બતાવ્યું. બીજા દિવસે એક બાઈક સવાર મને બેંગ્લુરુના એક બીજા ઘરમાં લઈ ગયો. તે ઘરમાં હાજર એક વ્યક્તિ મને ફરીથી આરઆર નગર લઈ ગયો. ત્યાં સાંજ સુધી હું રહ્યો.'


વાઘમોરેએ આગળ કહ્યું કે 'મેં તેને કહ્યું કે હું મારું કામ આજે જ ખતમ કરીશ. પરંતુ ગૌરી લંકેશ તે દિવસ જલદી ઘરે આવી ગઈ. તે ઘરની અંદર જ હતી. સપ્ટેમ્બર 5ના રોજ મને સાંજે 4 વાગ્યાની આસપાસ ગન આપવામાં આવી. ત્યારબાદ સાંજ પડતા જ અમે તેના ઘરની પાસે પહોંચી ગયાં. ગૌરીને ઘરની બહાર પોતાની કારમાં રોકી લીધી. જ્યારે હું તેની પાસે પહોંચ્યો ત્યારે તે કારનો ગેટ ખોલી રહી હતી. મેં તેના પર ચાર ગોળીઓ છોડી. ત્યારબાદ અમે પાછા આવ્યાં અને તે રાતે શહેર છોડી દીધુ.'