LIVE : ચોમાસું સત્ર હંગામા સાથે શરૂ, મોદી સરકાર વિરૂધ્ધ વિપક્ષ લાવ્યું અવિશ્વાસની દરખાસ્ત
રાજ્યસભામાં બુધવારે ચોમાસું સત્રનો પ્રારંભ હંગામા સાથે થયો હતો. વિપક્ષે ઉગ્ર તેવર અપનાવતાં મામલો ગરમાયો છે.
નવી દિલ્હી : સંસદમાં બુધવારે ચોમાસું સત્રની શરૂઆત હંગામા સાથે થઇ હતી. વિપક્ષે સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિવિધ માંગણીઓને લઇને હંગામો શરૂ કર્યો હતો. રાજ્યસભામાં ટીડીપી સાંસદ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી. હંગામો ઉગ્ર થતાં ઉપ સભાપતિએ 39 મિનિટ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરી હતી. જ્યારે લોકસભામાં સપા સાંસદ મોબ લિન્ચિંગ મુદ્દે સરકારનો ઘેરાવ કર્યો હતો.
હવે થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
સરકાર તરફથી સંસદીય કાર્ય મંત્રી અનંતકુમારે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સરકાર તૈયાર છે. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સંખ્યાબળને ધ્યાનમાં લેતા લોકસભામાં સરકાર પાસે પુરતો બહુમત છે. આથી સરકાર પર હાલ કોઈ સંકટ નથી. પરંતુ અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પક્ષ અને વિપક્ષ બંનેને પોતપાતની વાત રજુ કરવાની તક મળશે. જનતા બંનેની વાત સાંભળીને નક્કી કરી શકશે કે કોણ સાચુ છે અને કોણ ખોટું. વિપક્ષ મોદી સરકારને સંપૂર્ણ રીતે નિષ્ફળ ગણાવે છે જ્યારે સરકારનું કહેવું છે કે તેની ઉપલબ્ધિઓ અભૂતપૂર્વ છે.
સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, તમામ રાજકીય પક્ષોને સંસદના સમયનો ઉપયોગ સાર્થક ચર્ચામાં કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર કોઇ પણ રાજકીય પક્ષ દ્વારા માંગ કરવામાં આવનાર તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે.
લોકસભામાં સત્રની શરૂઆતમાં કોંગ્રેસ સાંસજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આરોપ લગાવ્યો કે સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી છે. આ માટે અમે સરકાર વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી રહ્યા છીએ. જેને લોકસભા સ્પીકરે સ્વીકાર કરી છે. તો એસપી અને ટીડીપી અલગ અલગ મુદ્દાઓ પર સરકારને ઘેરવા પ્રયાસ કરી રહ્યા છે. એસપી સાંસદોએ મોબ લિન્બિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો તો ટીડીપીએ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી.
આ પહેલા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ સત્રમાં ફરી નેરન્દ્ર મોદી સરકાર વિરૂધ્દ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની વાત કરી હતી. તેદેપા સંસદીય દળે કહ્યું હતું કે, પ્રસ્તાવ પર ચર્ચા નહીં કરવાની સ્થિતિમાં પાર્ટી સંસદની કાર્યવાહીને અટકાવશે. તેદેપા મોદી સરકાર સામે આંધ્ર પ્રદેશની ઉપેક્ષાનો આરોપ લગાવતાં ગત વર્ષે માર્ચમાં એનડીએથી અલગ થઇ હતી.