નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આજે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની ટિપ્પણી પર ખુબ હંગામો થયો. તેમણે રાષ્ટ્રપતિ માટે રાષ્ટ્રપતિ શબ્દ નો ઉપયોગ કર્યો હતો. આ ટિપ્પણી બાદ અધીર રંજન ચૌધરી ચારેબાજુથી ઘેરાયા છે. ભાજપે લોકસભામાં અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપત્ની કહીને સંબોધવા બદલ ગુરુવારે 'ધૃણિત તથા સમસ્ત મૂલ્યો તથા સંસ્કારો' વિરુદ્ધ ગણાવ્યું. પાર્ટીએ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બિરાજેલા એક આદિવાસી મહિલાના અનાદર બદલ કોંગ્રેસ પાસે માફીની માંગણી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતાની વિવાદિત ટિપ્પણી
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ બુધવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની' કહીને સંબોધિત કર્યા. જેને લઈને લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ભાજપે તેમના વિરુદ્ધ મોરચો ખોલ્યો. રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને લોકસભામાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રના પત્ની તરીકે સંબોધન કરવું એ ભારતના દરેક મૂલ્ય અને સંસ્કાર વિરુદ્ધ છે. એવું જાણવા છતાં કે આ સંબોધન તે સર્વોચ્ચ...સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચાડે છે તેમ છતાં કોંગ્રેસના એક પુરુષ નેતાએ આ ધૃણિત કાર્ય કર્યું છે. 



તેમણે કોંગ્રેસને આદિવાસી, ગરીબ અને મહિલા વિરોધી પાર્ટી ગણાવી. તેમણે આરોપ લગાવ્યો કે દ્રૌપદી મુર્મૂને જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે પણ કોંગ્રેસ તેમનો ઉપહાસ કરતી રહી અને આ ક્રમમાં તેમને ક્યારેક કઠપૂતળી તો ક્યારેક અશુભ અને અમંગળનું પ્રતિક કહ્યા. 


સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મુર્મૂના એક ઐતિહાસિક ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ આજે પણ એ વાત સ્વીકારી શકતી નથી કે એક આદિવાસી ગરીબ મહિલા દેશના સર્વોચ્ચ બંધારણીય પદને સુશોભિત કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનું આ હદ ઉતરી જવું દેશના ટોચના બંધારણીય પદ પર બિરાજેલા એક આદિવાસી અને ગરીબ મહિલાનો આ પ્રકારે અનાદર કરવો, તેમની ગરીમાને ઠેસ પહોંચાડી...કોંગ્રેસે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ સંસ્કારરહિત, મૂલ્યવિહીન અને બંધારણને ઠેસ પહોંચાડનારું કામ કર્યું છે. તેમણે કહ્યું કે સંસદમાં અને રસ્તાઓ પર કોંગ્રેસ અને તેમના નેતાઓએ દેશના પ્રથમ નાગરિક અને દેશની માફી માંગવી જોઈએ. 



ભૂલ થઈ ગઈ-ચૌધરી
આ સમગ્ર મામલે અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મે દ્રૌપદી મુર્મૂનું અપમાન કર્યું નથી. મારા મોઢામાંથી ભૂલથી 'રાષ્ટ્ર કી પત્ની' શબ્દ નીકળી ગયો. એકવાર ભૂલ થઈ ગઈ તો હું શું કરું? મને ફાંસી પર ચડાવો હોય તો લટકાવી દો. ભાજપના સાંસદોએ આ સમગ્ર મામલે ચૌધરી વિરુદ્ધ સંસદ પરિસરમાં પ્રદર્શન પણ કર્યું. 


ગુરુવારે આ મામલે લોકસભામાં ખુબ હંગામો થયો. આ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને માફી માંગવાનું પણ કહ્યું. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશના ગરીબ લોકો અને આદિવાસીઓ પાસે અધીર રંજન ચૌધરી તથા કોંગ્રેસ પાર્ટીએ માફી માંગવી જોઈએ. સંસદમાં થયેલા હંગામા બાદ સદનની કાર્યવાહી સ્થગિત કરાઈ.