Pegasus પર ઘમાસાણ, રાહુલે સરકારને ઘેરી તો ભાજપે યાદ અપાવ્યું યુપી-કર્ણાટક
પેગાસસ મુદ્દે વિપક્ષી નેતાઓ સાથે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારને ઘેરી.
નવી દિલ્હી: સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે પેગાસસ જાસૂસી વિવાદ, નવા કૃષિ કાયદા તથા અન્ય મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોના હોબાળાના કારણે રાજ્યસભાની બેઠક આજે શરૂ થયાના ગણતરીના સમયમાં બપોર માટે સ્થગિત કરાઈ. સદનની બેઠક શરૂ થતા સભાપતિ એમ વેંકૈયા નાયડુએ જરૂરી દસ્તાવેજ પટલ પર રખાવ્યા. ત્યારબાદ તેમણે શૂન્યકાળ હેઠળ મુદ્દો ઉઠાવવા માટે માકપાના ઝરણાદાસ વૈદ્યનું નામ પોકાર્યું. . વિપક્ષી સભ્યોએ વિભિન્ન મુદ્દાઓ પર હોબાળો શરૂ કરી દીધો. આ બાજુ પેગાસસ મુદ્દે વિપક્ષી નેતાઓ સાથે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારને ઘેરી. ત્યારબાદ ભાજપ તરફથી પણ પલટવાર કરાયો.
વિપક્ષી દળોની પ્રેસ કોન્ફરન્સ
સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે આજે વિપક્ષી પાર્ટીઓએ બેઠક કરી. આ બેઠકમાં લગભગ એક ડઝન જેટલી પાર્ટીઓએ ભાગ લીધો. બેઠક બાદ વિપક્ષી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી. રાહુલ ગાંધીએ મીડિયાને કરેલા સંબોધનમાં કહ્યું કે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ પેગાસસનો ઉપયોગ કરાયો છે. તેમણે કહ્યું કે વિપક્ષના અવાજને સંસદમાં દબાવવામાં આવે છે, અમારો ફક્ત એક જ સવાલ છે કે શું દેશની સરકારે પેગાસસની ખરીદી કરી કે નહીં. શું સરકારે પોતાના લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો કે નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં મારા વિરુદ્ધ, સુપ્રીમ કોર્ટ, મીડિયા અને અન્ય લોકો વિરુદ્ધ પેગાસસના હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. સરકારે આવું કેમ કર્યું, તે તેનો જવાબ આપે. અમે સંસદની કામગીરી રોકતા નથી, પરંતુ અમારો અવાજ બુલંદ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જે હથિયારનો ઉપયોગ આતંકવાદીઓ સામે થવો જોઈતો હતો, તેનો ઉપયોગ અમારા વિરુદ્ધ કેમ થઈ રહ્યો છે. સરકાર જવાબ આપે કે પેગાસસ કેમ ખરીદવામાં આવ્યું હતું.
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખુલાસો કરાયો હતો કે ઈઝરાયેલી સોફ્ટવેરથી અનેક લોકોના ફોન હેક કરાયા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, સહિત અનેક નેતાઓ, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ, પત્રકાર અને અન્ય લોકોના નામ સામેલ હતા.
રાહુલ પર ભાજપનો પલટવાર
કોંગ્રેસ પર નિશાન સાધતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને બરાબર આડેહાથ લીધા. તેમણે કહ્યું કે રાહુલ બોલે છે કે આજે વિપક્ષ એકજૂથ થે, અમે બે વર્ષ પહેલા આવું કર્ણાટકમાં જોયું હતું પરંતુ તેનું શું થયું. સંબિત પાત્રાએ કહ્યું કે યુપીમાં પણ બે યુવાઓ સાથે આવ્યા હતા તેનું શું થયું. વિપક્ષી નેતા ફક્ત પોતાનો પરિવાર અને ભવિષ્યને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે રાહુલ-સોનિયા-પ્રિયંકાને ફક્ત પોતાના ભવિષ્યની ચિંતા છે. આવામાં અખિલેશ યાદવ અને લાલૂ યાદવના પરિવારની સાથે છે.
ભાજપના નેતાએ કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન વિપક્ષ ચર્ચાની વાત કરી રહ્યો હતો. હવે જ્યારે સદન ચાલે છે ત્યારે સંસદમાં હોબાળો કરે છે. પ્રધાનમંત્રીએ ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી તો તેનો પણ વિપક્ષે બોયકોટ કર્યો.
શૂન્યકાળ ન થઈ શક્યો
સભાપતિએ સભ્યોને સદનમાં તખ્તિઓ અને પોસ્ટર ન દેખાડવાનું કહ્યું અને શૂન્યકાળ ચાલવા દેવા જણાવ્યું. સદનમાં વ્યવસ્થા ન જળવાતી જોઈને બેઠક બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. હાલના ચોમાસુ સત્રમાં રાજ્યસભામાં શૂન્યકાળ થઈ શક્યો નથી.
લોકસભામાં પણ હંગામો
રાજ્યસભામાં હંગામા બાદ લોકસભામાં પણ વિપક્ષનો હોબાળો ચાલુ છે. આ અગાઉ 14 વિપક્ષી પાર્ટીઓએ એક મહત્વની બેઠક કરી અને સરકારને ઘેરવાની યોજના ઘડી. મીટિંગ બાદ કોંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે પેગાસસ જાસૂસી કેસ, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દે અમે કોઈ સમાધાન કરીશું નહીં. અમે સંસદમાં આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ.
રાહુલે કહ્યું કે સરકાર વિપક્ષને એમ કહીને બદનામ કરી રહી છે કે અમે સંસદની કાર્યવાહી થવા દેતા નથી. અમે જનતા અને ખેડૂતો તથા દેશ સંલગ્ન મુદ્દા ઉઠાવી રહ્યા છીએ. જે મુદ્દાઓ પર આજે હોબાળો મચી રહ્યો છે, મંગળવારે પણ એ મુદ્દાઓ પર રાજયસભા અને લોકસભામાં હોબાળો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube