શિવસેનાનો PM મોદી પર સીધો એટેક, કહ્યું- `રેલીઓ માટે પૈસા ક્યાંથી લાવો છો તે જણાવો`
શિવસેના અને ભાજપ વચ્ચે સતત અંતર વધી રહ્યું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મંગળવારે સંસદમાં ભ્રષ્ટાચાર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરી નાખ્યો.
નવી દિલ્હી: શિવસેના અને ભાજપ વચ્ચે સતત અંતર વધી રહ્યું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ મંગળવારે સંસદમાં ભ્રષ્ટાચાર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરી નાખ્યો. લોકસભામાં ચર્ચા દરમિયાન શિવસેનાએ ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ પૈસાના જોરે ચૂંટણી જીતે છે. આ દરમિયાન શિવસેનાએ સવાલ ઉઠાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓ માટે પૈસા ક્યાંથી આવી રહ્યાં છે?
'પીએમ પદ છોડીને સાંસદ તરીકે ચૂંટણીમાં ઉતરે પીએમ મોદી'
લોકસભામાં ભ્રષ્ટાચાર રોકથામ (સંશોધન) વિધેયક બિલ પર ચર્ચા દરમિયાન શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પદેથી રાજીનામું આપી દેવુ જોઈએ અને એક સાંસદ તરીકે પ્રચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચારના મુદ્દે કેન્દ્રમાં પોતાની જ સરકાર પર નિશાન સાંધતા શિવસેનાએ કહ્યું કે સત્તાપક્ષની કથની અને કરણીમાં અંતર છે. લોકસભામાં ભ્રષ્ટાચાર નિવારણ (સંશોધન) વિધેયક, 2018 પર ચર્ચામાં ભાગ લેતા શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે સરકારની કથની અને કરણીમાં ફરક છે. ભ્રષ્ટાચારને લઈન તેની કથની તો ઠીક છે પરંતુ કરણી જોવા મળતી નથી. તેમણે કહ્યું કે નોટબંધીનો હેતુ આતંકવાદ, કાળાનાણા, અને ભ્રષ્ટાચાર પર રોક લગાવવાનો હતો. પરંતુ સરકાર હ્રદયપૂર્વક જણાવે કે આ ત્રણેયમાંથી એક પણ ઓછું થયું.
શિવસેનાએ ચૂંટણી ખર્ચ પર સવાલ ઉઠાવ્યો
સાવંતે કહ્યું કે સરહદ પર 600 સૈનિકો માર્યા ગયાં. આતંકવાદ ક્યાં ઓછો થયો? તેમણે કહ્યું કે વિચારધારા અને આચરણ બરાબર નથી. ફક્ત એક જ વાત રહી ગઈ છે સત્તા, સત્તા અને સત્તા. આજે સામ, દામ, દંડ અને ભેદ બધુ અપનાવામાં આવી રહ્યું છે. સાવંતે તમામ રાજકીય પક્ષોમાં ભ્રષ્ટાચાર હોવાની વાતને રેખાંકિત કરતા કહ્યું કે કોઈ પણ જનપ્રતિનિધિ આજે દાવો કરી શકે નહીં કે તેમણે ચૂંટણી પંચની નિર્ધારિત મર્યાદાની અંદર ખર્ચ કરીને ચૂંટણી લડી છે. તેમણે કહ્યું કે શાળામાં બાળકોના પ્રવેશ અને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર સંપૂર્ણ રીતે વ્યાપ્ત છે.
'ભાજપે સરકારી ખજાનાનો દુરઉપયોગ કર્યો'
અરવિંદ સાવંતે કહ્યું કે હાલમાં જેટલી પણ ચૂંટણીઓ થઈ છે, ''સત્તાપક્ષ મનથી કહે કે ચૂંટણી કેવી રીતે લડી''. તેમણે પૂછ્યું કે આજે વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓની ચૂંટણી સભાઓનો ખર્ચ કોણ કરે છે? પાર્ટી કરે છે કે દેશના ખજાનામાંથી ખર્ચ કરવામાં આવે છે? શિવસેના સાંસદે કહ્યું કે પાર્ટીના પ્રચાર માટે દેશના ખજાનાનો ઉપયોગ કરવો અયોગ્ય છે. સરકારમાં સહયોગ પક્ષના સાંસદે વિપક્ષ તરફ ઈશારો કરતા કહ્યું કે ''પહેલા આ લોકોએ આ બધુ કર્યું અને આજે અમે (સરકાર) કરી રહી છે''.
તેમણે કહ્યું કે વડાપ્રધાન પણ જો ચૂંટણી લડે તો તેમણે પદેથી રાજીનામું આપીને સાંસદ તરીકે ચૂંટણીમાં જવું જોઈએ. સાવંતે આરોપ લગાવ્યો કે રાજ્યસભા અને વિધાન પરિષદોમાં પાર્ટીઓ પૈસા લઈને અમીર લોકોને મોકલે છે. આ તો ભ્રષ્ટાચાર છે. જો કે સાવંતે વિધેયકનું સ્વાગત કરતા કહ્યું કે યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ રોકથામમાં ફાયદો થશે.