નવી દિલ્હી : એક દિવસ પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડોકલામ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હવે તેઓ પોતે જ પરિસ્થિતીનો તાગ મેળવવા માટે ચીન સીમા પર રહેલા વિસ્તારોની મુલાકાત લેશે. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસનાં સાંસદ શશિ થરૂરનાં નેતૃત્વમાં વિદેશ મુદ્દાઓની સંસદીય સમિતી આવતા મહિને સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશનાં સીમાવર્તી વિસ્તારોની મુલાકાત કરશે. સુત્રો અનુસાર રાહુલ ગાંધી પણ આ ટીમમાં સમાવિષ્ટ છે. મળતી માહિતી અનુસાર સમિતીનાં સભ્ય ડોકલામ સંકટ બાદ પરિસ્થિતીને તાગ મેળવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે ચીનનાં સૈનિકો ડોકલામમાં 73 દિવસ સુધી સામ સામે હતા. હાલમાં જ વડાપ્રધાનની ચીન યાત્રા દરમિયાન પણ ડોકલામ મુદ્દે કોઇ સ્પષ્ટતા નહી કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેવા સમયે કેન્દ્રીય સમિતીની ડોકલામ મુલાકાત ઘણી મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે. સમિતી ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તમામ મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે. પુર્વ અને હાલનાં વિદેશ સચિવ વિજય ગોખલે દ્વારા સમિતીને ઘણી વખત આ મુદ્દે માહિતી આપવામાં આવી ચુકી છે. 

એક સુત્રએ કહ્યું કે, બે સીમાવર્તી રાજ્યો અરૂણાચલ પ્રદેશ અને સીક્કીમનાં બોર્ડર પર રહેલા વિસ્તારોની જમીની હકીકત જાણવા માટે સમિતી રચના કરશે. સુત્રનાં અનુસાર, ઉદ્દેશ્ય સ્પષ્ટ છે હાલ સીમા પર ભારત અને ચીન વચ્ચે પરિસ્થિતી કેવી છે તેની સમીક્ષા કરવામાં આવશે. જો શક્ય હશે તો સમિતીનાં સભ્યો તે વિસ્તારની પણ મુલાકાત લેશે જ્યાં ચીની સૈનિકો દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હતી. 

મળતી માહિતી અનુસાર આસમાન વિસ્તારમાં નિરીક્ષણ કરવા માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે ઉપરાંત તે વિસ્તારનાં ડિફેન્સ અને લશ્કરી નિષ્ણાંતો સાથે પણ મુલાકાત કરવામાં આવશે. ગત્ત વર્ષે જૂન મહિના દરમિયાન સિક્કીમ ખાતે ભારત અને ચીન વચ્ચે 2 મહિનાથી વધારે સમય સૈન્ય તણાવ રહ્યો હતો.