પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી છે. શાહિદ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. NIA એ UAPA હેઠળ શહિદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે ભારત સરકાર દ્વારા લિસ્ટેડ આતંકી હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે થયો હતો હુમલો?
પંજાબના પઠાણકોટ ખાતે એરબેસ પર 2016માં આતંકી હુમલો થયો હતો. આ હુમલો આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાના 7 જવાનો શહીદ થયા હતા. પઠાણકોટ એરફોર્સ સ્ટેશન આપણી સરહદ પાસે છે. અહીં ભારતીય સેનાના મોટા હથિયારો રાખવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં સંપૂર્ણ રણનીતિને અહીંથી જ અંજામ અપાય છે. 1965 અને 1971 ની લડાઈમાં આ એરફોર્સ સ્ટેશને મોટી ભૂમિકા ભજવી હતી. મિગ 21 ફાઈટર વિમાનોનું આ બેસ સ્ટેશન છે. 


શાહિદ 41 વર્ષનો હતો અને તેણે 2 જાન્યુઆરી 2016ના રોજ પઠાણકોટ હુમલાને અંજામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ ધરાવતો હતો. પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારમાં તેને ગોળી મારવામાં આવી. શાહિદની નવેમ્બર 1994માં ભારતમાં ધરપકડ કરાઈ હતી. તેના પર આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ હતો. તેને યુએપીએ હેઠળ અરેસ્ટ કરાયો હતો. ભારતમાં જેલની સજા કાપ્યા બાદ તેને વર્ષ 2010માં વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ડિપોર્ટ કરાયો હતો. 


શાહિદ લતીફ પર વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરવાનો પણ આરોપ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની તપાસમાં જાણવા મળ્યું હતું કે શાહિદ  ભારતથી ગયા બાદ એકવાર ફરીથી પાકિસ્તાનમાં જેહાદની ફેક્ટરીમાં જોડાઈ ગયો હતો. ભારત સરકારે તેને વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તેની સુરક્ષા કરી રહી હતી પરંતુ અજાણ્યા બંદૂકધારીઓએ તેની હત્યા કરી નાખી. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાનમાં અનેક આતંકીઓની હત્યા થઈ છે.