પત્નીને જો ભૂલેચૂકે પણ `ભૂત` કે `પિશાચ` કહેવાઈ ગયું તો શું થાય? જાણો હાઈકોર્ટે શું કહ્યું
એક રિપોર્ટ મુજબ ભૂત અને પિશાચવાળા આ કેસમાં જસ્ટિસ બિબેક ચૌધરીની સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો. પટણા હાઈકોર્ટે નાલંદા મેજિસ્ટ્રિયલ કોર્ટના ચુકાદાના પલટી નાખ્યો. પટણા હાઈકોર્ટે આ મામલે પતિ નરેશકુમાર ગુપ્તા અને સસરા સહદેવ ગુપ્તાને જામીન આપ્યા છે.
Patna High Court Verdict: પતિ અને પત્નીનો સંબંધ ઉતાર ચડાવવાળો હોય છે. પરંતુ ક્યારેક તો આ ખટપટ એટલી વધી જાય છે કે મામલો કોર્ટના દરવાજે પહોંચી જતો હોય છે. આવો જ એક કેસ પટણા હાઈકોર્ટમાં ગયો અને કોર્ટે ચુકાદો આપતા મહત્વની ટિપ્પણી કરી. આઈપીસીની કલમ 498એ હેઠળ પતિ પર લાગેલા ક્રૂરતાના આરોપોને પટણા હાઈકોર્ટે ફગાવી દેતા કહ્યું કે પત્નીને 'ભૂત' અને 'પિશાચ' કહેવી એ ક્રૂરતા નથી. જાણો શું છે સમગ્ર મામલો.
કોર્ટનો ચુકાદો
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ભૂત અને પિશાચવાળા આ કેસમાં જસ્ટિસ બિબેક ચૌધરીની સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો. પટણા હાઈકોર્ટે નાલંદા મેજિસ્ટ્રિયલ કોર્ટના ચુકાદાના પલટી નાખ્યો. પટણા હાઈકોર્ટે આ મામલે પતિ નરેશકુમાર ગુપ્તા અને સસરા સહદેવ ગુપ્તાને જામીન આપ્યા છે.
શું હતો આરોપ
નરેશકુમાર ગુપ્તાના લગ્ન 1 માર્ચ 1993ના રોજ હિન્દુ રિતી રિવાજોથી જ્યોતિ સાથે થયા હતા. જ્યોતિના પિતા કન્હૈયાલાલે નરેશકુમાર ગુપ્તા અને તેમના પિતા સહદેવ ગુપ્તા સામે કેસ કર્યો. જ્યોતિના પિતાનો આરોપ હતો કે તેમની પુત્રીને સાસરામાં શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવામાં આવી. પુત્રીના સાસરીવાળાએ દહેજને કારણે તેને હેરાન કરી.
જો કે હાઈકોર્ટે તપાસ રિપોર્ટમાં જાણ્યું કે કોઈ પણ એવો મેડિકલ દસ્તાવેજ નથી જેનાથી સાબિત થાય કે જ્યોતિને શારીરિક કે માનસિક રીતે પરેશાન કરાઈ હોય. ત્યારબાદ પટણા હાઈકોર્ટે નાલંદા મેજિસ્ટ્રિયલ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો. નરેશકુમાર ગુપ્તા અને તેમના પિતા સહદેવ ગુપ્તાને આ મામલે રાહત આપી.
ભૂત-પિશાચ કહેવું ક્રૂરતા નથી
જસ્ટિસ બિબેક ચૌધરીએ અરજીકર્તાની એ અરજી પણ ફગાવી દીધી જેમાં અરજીકર્તાના વકીલે કહ્યું હતું કે 21મી શતાબ્દીમાં કોઈ પુરુષ તરફથી પત્નીને ભૂત પિશાચ કહેવું એ મેન્ટલ ટોર્ચર છે. જેના પર ટિપ્પણી કરતા હાઈકોર્ટે કહ્યું કે પતિ પત્ની અનેકવાર એકબીજા માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા હોય છે. તેને ક્રૂરતાના દાયરામાં લાવી શકાય નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube