એક એવી તોપ જેને જોવા માટે લોકો દોડી-દોડીને આવી રહ્યા છે પોલીસ સ્ટેશન
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં નહેરના ખોદકામ દરમિયાન મજૂરોને આ પ્રાચીનકાળની તોપ મળી છે, જેને જોવા હવે લોકો લાઈન લગાવી રહ્યા છે
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આજકાલ એક તોપ લોકોના કુતુહલનો વિષય બનેલી છે. આ તોપ તાજેતરમાં નાદિયા જિલ્લામાં ચાલી રહેલા એક નહેરના ખોદકામ દરમિયાન મળી આવી છે. આ તોપને સ્થાનિક તંત્ર દ્વારા કબ્જામાં લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત મુકવામાં આવી છે. જોકે, ખોદકામ દરમિયાન મળી આવેલી આ તોપના સમાચાર વાયુવેગે આજુ-બાજુના વિસ્તારમાં પ્રસરી ગયા છે, જેને કારણે તોપને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન આવી રહ્યા છે.
હરિઘાટા પોલીસ સ્ટેશનના અધિકારકી અશોકતરૂ મુખરજીના અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી યમુના નહેરના રિપેરિંગ માટે ખોદકામ ચાલી રહ્યું છે. આ વિસ્તાર અંતર્ગત આવતા રાજાપુરમાં યમુના નહેરના ખોદકામ દરમિયાન મજૂરોને એક તોપ મળી આવી હતી.
નહેરમાંથી મળેલી આ તોપ પિત્તળની બનેલી છે. જેની લંબાઈ લગભઘ 4 ફૂટ 2 ઈંચ છે. તેમણે જણાવ્યું કે, મળી આવેલી આ તોપ પ્રાચીન અને પુરાતત્વ મહત્વ ધરાવતી હોય એવું લાગી રહ્યું છે.
તેલંગાણામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ યોજના 'કાલેશ્વરમ'નું લોકાર્પણ
હરિઘાટાના બીડીઓ કૃષ્ણગોપાલે જણાવ્યું કે, સુરક્ષાને કારણે આ તોપને હાલ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મુકાવામાં આવી છે. આ તોપ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરી દેવાઈ છે અને વિભાગની ટીમ ટુંક સમયમાં જ આવીને તેની તપાસ કરશે.
તેમણે જણાવ્યું કે, પ્રાચીન તોપ અંગેની વાત આ વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ ગઈ છે. એટલે નજીકમાં આવતા ગામના લોકો કુતુહલવશ આ તોપને જોવા માટે પોલીસ સ્ટેશન આવી રહ્યા છે. લોકોમાં તોપ એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે, જ્યારે પોલીસના માથે હવે તોપને જોવા આવતા લોકોની ભીડને કાબુમાં રાખવાની એક નવી જવાબદારી આવી ગઈ છે.
જૂઓ LIVE TV....