પદ્માવત: BookmyShowને કરણી સેનાએ આપી ધમકી, કહ્યું-ટિકિટ બુકિંગ પર રોક લગાવો
મીડિયા રિપોર્ટ્સ મુજબ કરણી સેનાએ ઓનલાઈન ટિકિટ બુક કરવા માટેની કંપની BookmyShowને પણ ધમકી આપી છે. BookmyShowને ધમકી આપતા કરણી સેનાએ કહ્યું છે કે ફિલ્મની ટિકિટની બુકિંગ પર રોક લગાવો, નહીં તો કેટલાક લોકો તો ટિકિટ બુક કરવા લાયક પણ નહીં રહે.
નવી દિલ્હી: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતને લઈને પહેલા દિવસથી જ જે વિવાદ ઊભો થયો છે તે શાંત થવાનું નામ લેતો નથી. ફિલ્મને લઈને છેડાયેલા આ વિરોધાભાસ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કરણી સેનાના 3 સભ્યો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાની અરજી દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ્સ મુજબ કરણી સેનાએ ઓનલાઈન ટિકિટ બુક કરવા માટેની કંપની BookmyShowને પણ ધમકી આપી છે. BookmyShowને ધમકી આપતા કરણી સેનાએ કહ્યું છે કે ફિલ્મની ટિકિટની બુકિંગ પર રોક લગાવો, નહીં તો કેટલાક લોકો તો ટિકિટ બુક કરવા લાયક પણ નહીં રહે.
25 જાન્યુઆરીએ ફિલ્મ થઈ રિલીઝ
અનેક વિવાદો વચ્ચે ભણસાલીની ફિલ્મ પદ્માવત આજે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ છે. દિલ્હી, હરિયાણા, બિહાર, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ફિલ્મ ભલે રિલીઝ થઈ હોય પરંતુ હાલત ત્યાં બહુ સારા કહી શકાય નહીં. કરણી સેનાના સભ્યો દેશમાં તોડફોડ કરવામાં લાગ્યા છે. સુપ્રીમ કોર્ટમાં પદ્માવતને લઈને 2 અરજીઓ દાખલ થઈ છે. જેના પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. આ અરજીઓ સુપ્રીમની અવગણના અંગેની છે. તેમાં માગણી કરવામાં આવી છે કે કોર્ટના આદેશ બાદ પણ અનેક રાજ્યોમાં પદ્માવત રિલીઝ થઈ શકી નથી. આ સાથે કરણી સેનાના 3 નેતાઓ વિરુદ્ધ પણ અરજી કરવામાં આવી હતી.
દિલ્હી હાઈકોર્ટે ફગાવી અરજી
દિલ્હી હાઈકોર્ટે વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પદ્માવતના પ્રમાણપત્રને રદ કરવાની માગણીવાળી અરજીને આજે ફગાવી દીધી છે અને અરજીકર્તાને સુપ્રીમ કોર્ટમાં જવાની સલાહ આપી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ અને ન્યાયમૂર્તિ સી.હરી શંકરની પેનલ સમક્ષ આવેલી અરજીને કોર્ટે ફગાવી દીધી. આ અરજી ચિત્તૌડગઢના એક સંગઠન જૌહર સ્મૃતિ સંસ્થાનના મહાસચિવે અરજી કરી હતી. અરજીની સુનાવણી પર ઈન્કાર કરતા કોર્ટે કહ્યું કે ફિલ્મને રિલીઝની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી છે આથી અરજીકર્તાએ ત્યાં જવું જોઈએ. સંગઠનના મહાસચિવ ભંવર સિંહ ભાટીએ કોર્ટના પરિસર બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ મામલે તેઓ આજે જ સુપ્રીમમાં જશે.