પાઈલટ બન્યાં બાદ આ યુવકે કર્યું એવું કામ, ગામના વૃદ્ધોની આંખો છલકાઈ ગઈ
કોઈ વ્યક્તિ ડોક્ટર બને તો પોતાના ગામમાં હોસ્પિટલ ખોલવાનું સપનું જોતી હોય છે, કોઈ એન્જિનિયર બનીને પોતાના ગામ માટે કઈંક નવું કરવાની ચાહત રાખે છે.
કોઈ વ્યક્તિ ડોક્ટર બને તો પોતાના ગામમાં હોસ્પિટલ ખોલવાનું સપનું જોતી હોય છે, કોઈ એન્જિનિયર બનીને પોતાના ગામ માટે કઈંક નવું કરવાની ચાહત રાખે છે. કોઈ નેતા બનીને પોતાના ગામમાં વીજળી, પાણી, રસ્તાની સુવિધા આપવા માંગે છે. પરંતુ આ બધાથી અલગ એક વ્યક્તિએ એવું કામ કર્યું કે તેને જોઈને દરેક જણ નતમસ્તક થઈ રહ્યું છે.
વિકાસે વચન પૂરું કર્યું
હરિયાણાના હિસાર જિલ્લાના સારંગપુર ગામના રહીશ વિકાસ જ્યાણીએ સપનું પોતાના માટે નહીં પરંતુ ગામવાળા માટે જોયું હતું. વિકાસ પાઈલટ બનવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની જાતને એક વચન આપ્યું હતું કે જે દિવસે તે પાઈલટ બનશે તે દિવસે ગામવાળાઓને હવાઈ મુસાફરી કરાવશે. કેટલાક લોકો જીવનમાં સફળતા મળતા પોતાના જ વચનો ભૂલી જતા હોય છે પરંતુ વિકાસે પોતાની જાતને આપેલું વચન નિભાવ્યું.
90 વર્ષની મહિલાએ પણ કરી હવાઈ મુસાફરી
હવાઈ મુસાફરી દરમિયાન વિકાસે ગામના એ લોકોની પસંદગી કરી જેમની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ હતી. આ બધા લોકો સાથે તેમણે ચંડીગઢથી અમૃતસરની હવાઈ મુસાફરી કરી. પોતાની મુસાફરી દરમિયાન વૃદ્ધોએ સુવર્ણ મંદિરના દર્શન કરવાની સાથે જ જલિયાવાલા બાગ અને વાઘા બોર્ડર ફેરવ્યાં. મુસાફરોમાં 90 વર્ષના બિમલા, 78 વર્ષના રામમૂર્તિ, 80 વર્ષના અમર સિંહ પણ સામેલ હતાં. હવાઈ મુસાફરી પૂરી કર્યા બાદ વૃદ્ધોએ કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યુ નહતું કે તેઓ હવાઈ મુસાફરી કરશે.
વૃદ્ધોએ જણાવ્યું કે વિકાસને હંમેશાથી વિશ્વાસ હતો કે એક દિવસ તે જરૂર પાઈલટ બનશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ વિકાસના પિતા મહેન્દ્ર જ્યાણીએ કહ્યું કે પુત્રએ જે કામ કર્યુ છે તે કોઈ પુણ્યથી ઓછુ નથી. 90 વર્ષની બિમલાએ કહ્યું કે હવાઈ મુસાફરી કરીશ તે ક્યારેય સપના પણ વિચાર્યુ નહતું. તેમણે જણાવ્યું કે અનેક લોકોએ હવાઈ મુસાફરી કરાવવાનું વચન આપ્યુ હતું પરંતુ વિકાસે તેને નિભાવ્યું.
આ બાજુ 78 વર્ષના રામમૂર્તિ અને કાંકરી દેવીએ કહ્યું કે હવાઈ મુસાફરી તેમના જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. તેમણે સાથમાં મુસાફરી કરનારા મુસાફરોની પણ પ્રશંસા કરી, જેમણે મુસાફરી દરમિયાન વૃદ્ધોને મદદ કરી. વિકાસના પિતા મહેન્દ્ર જ્યાણીએ કહ્યું કે વિકાસ હંમેશાથી વૃદ્ધ-વડીલોનું સન્માન કરે છે અને આ તેનું સપનું હતું. તેણે પોતાના વચનને પૂરું કરીને બતાવ્યું. તમામ યુવાઓએ વિકાસને ફોલો કરવો જોઈએ.