ભારત-પાક તણાવ વચ્ચે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક
આ બેઠક એવા સમયે થઇ છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય પાયલોટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી છે
નવી દિલ્હી : પાકિસ્તાન સાથે સતત વણસી રહેલી સ્થિતી વચ્ચે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગુરૂવારે આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠક એવા સમયે યોજાઇ હતી જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પકડાયેલ ભારતીય વાયુસેનાના પાયલોટને મુક્ત કરવા માટેની જાહેરાત કરી છે.
અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નાણામંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે ભાગ લીધો હતો. વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ બેઠક પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદનાં સ્થળ પર ભારતીય વાયુસેના દ્વારા ભારતીય વાયુ ક્ષેત્રના ઉલ્લંઘનની પૃષ્ટભુમિમાં થઇ છે. ત્યાર બાદ હવાઇ સંઘર્ષમાં પાકિસ્તાનનું એક એફ-16 વિમાન તોડી પાડવામાં આવ્યું અને ભારતનું એક મિગ-21 વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ દરમિયાન પાકિસ્તાને ભારતીય પાયલોટ અભિનંદનને પકડી લીધો હતો. આ ઘટનાક્રમ મુદ્દે બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.
આ અગાઉ ત્રણેય સેનાઓની એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ત્રણેય સેનાના કમાન્ડર દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારત પાકિસ્તાન સામે લડવા માટે સંપુર્ણ સજ્જ છે. સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ભારતીય સેના આતંકવાદી કેમ્પો પર હુમલાઓ કરવા માટે હંમેશા તૈયાર છે. જો પાકિસ્તાન તરફથી કોઇ પણ અયોગ્ય હરકત કરવામાં આવશે તો સેનાની ત્રણેય પાંખ તેનો મુંહતોડ જવાબ આપશે.