સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સુરત ખાતે યોજાયેલ ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમય ભારત માટે શાનદાર છે. સાથોસાથ એમણે એ પણ લલકાર કર્યો કે, જે લોકોએ દેશને લૂંટ્યો છે એમને છોડવામાં નહીં આવે. જેણે દેશને લૂંટ્યો છે તેણે એક દિવસ તો જેલમાં જવું જ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શહેરના યુવાનો, મહિલાઓ, બુધ્ધિજીવીઓને ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં સંબોધતાં સવાલોના જવાબ આપ્યા હતા. એમણે વિવિધ શ્રોતાના સવાલોના જવાબ આપ્યા હતા. પુછાયેલા એક સવાલનો જવાબ આપતાં એમણે કહ્યું કે, અમે દેશના ભાગેડુઓને પકડી લાવવા અને તેમની સંપત્તિને જપ્ત કરવા માટે વિશેષ કાયદો બનાવ્યો છે. જેણે દેશને લૂંટ્યો છે તેણે એક દિવસ તો જેલમાં જવું જ પડશે. 


વધુમાં એમણે કહ્યું કે,  મને વિશ્વાસ છે અને સવાસો કરોડ દેશવાસીઓને વિશ્વાસ છે કે, એક દિવસ તમારે જેલમાં જવું જ પડશે. દેશમાં જેની ચાર-ચાર પેઢીએ રાજ કર્યું છે, તેને એક ચાવાળો પડકાર ફેંકી રહ્યો છે. તમે જાણતા હશો કે તેઓ જામીન પર છુટેલા છે. તમે જાણતા જ હશો કે તેમના અન્ય દરબારીઓ પણ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે.  


ભ્રષ્ટાચાર હટાવવા પર ભાર મુકતાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર દેશને અંદરથી કોતરી રહ્યો છે. ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. જો હું ઈચ્છતો તો તેને છોડી શક્તો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે, હું આ અભિયાન એટલા માટે જ ચલાવી શક્યો છું કે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું. આ હિંમતને કારણે જ હું આ કામ કરી શક્યો છું. હું કોઈ મોટા પરિવારનો નથી. છેલ્લા 13-14 વર્ષથી કામ કરી રહ્યો છું. વિરોધીએ પણ ક્યારેય મારી સામે આંગળી ઉઠાવી નથી.