સંસદમાં કામકાજ ન થવા બદલ PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, વેતન-ભથ્થા લેશે નહીં
વિપક્ષી સાંસદોના વિરોધ વચ્ચે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રનો બીજો તબક્કો શુક્રવારે પૂરો થયો. આ સત્ર 2000 બાદ સૌથી ઓછા કામકાજવાળુ સત્ર સાબિત થયું છે.
નવી દિલ્હી: વિપક્ષી સાંસદોના વિરોધ વચ્ચે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રનો બીજો તબક્કો શુક્રવારે પૂરો થયો. આ સત્ર 2000 બાદ સૌથી ઓછા કામકાજવાળુ સત્ર સાબિત થયું છે. સત્રમાં કામકાજ ન થવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. કોઈ કામ ન થવાના કારણે પીએમ મોદીએ આ સત્રનું પોતાનું વેતન અને ભથ્થું છોડવાની જાહેરાત કરી છે. વડાપ્રધાનની સાથે ભાજપના તમામ સાંસદોએ પણ સત્ર દરમિયાન મળનારા વેતન અને ભથ્થાને નહીં લેવાનું નક્કી કર્યું છે.
23 દિવસનું વેતન-ભથ્થુ છોડ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદનમાં કામગીરી ન થવા બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. આ માટે તેમણે 23 દિવસનો પગાર નહીં લેવાનો અને ગતિરોધ માટે વિપક્ષી દળને જવાબદાર ઠેરવીને જાહેરાત કરી કે ભાજપ સાંસદ 12 એપ્રિલના રોજ તેના વિરોધમાં ઉપવાસ કરશે. તેમણે કહ્યું કે સંસદીય લોકતંત્ર ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયું છે.
સૌથી ઓછુ કામકાજ
અત્રે જણાવવાનું કે 29 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી બે તબક્કામાં સંપન્ન થયેલા બજેટ સત્રમાં લોકસભામાં માત્ર 23 ટકા અને રાજ્યસભામાં 28 ટકા કામગીરી થઈ. વર્ષ 2000 બાદથી આ સૌથી ઓછા કામકાજવાળુ સત્ર રહ્યું. સંસદમાં કામ ન થવા બદલ ભાજપ અને વિપક્ષી દળ કોંગ્રેસ સંસદના બંને સદનોમાં ગતિરોધ માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે જણાવ્યું કે સત્રના પહેલા તબક્કામાં લોકસભામાં કરવામાં આવેલું કામ 134 ટકા અને રાજ્યસભામાં 96 ટકા હતું. પહેલા તબક્કામાં લોકસભામાં સાત અને રાજ્યસભાની આઠ બેઠકો થઈ હતી.
બીજી બાજુ પાંચ માર્ચથી શરૂ થયેલા બીજા તબક્કામાં બંને સદનોની કાર્યવાહી સતત હોબાળાના કારણે ખોરવાતી રહી, જેના કારણે કામકાજમાં ઝડપથી ઘટાડો થયો. અનંતકુમારે જણાવ્યું કે આ તબક્કામાં લોકસભામાં ચાર અને રાજ્યસભામાં આઠ ટકા કામ જ થઈ શક્યું.
શોધ સંસ્થાઓના આંકડા મુજબ લોકસભામાં નિર્ધારિત સમયનો 21 ટકા સમય કામકાજમાં ખર્ચ થયો અને રાજ્યસભામાં 27 ટકા સમયનો જ ઉપયોગ થઈ શક્યો. હાલની 16મી લોકસભામાં અત્યાર સુધી કામકાજનું સ્તર 85 ટકા અને રાજ્યસભામાં 68 ટકા રહ્યું છે.
ઉપરાષ્ટ્રપતિએ વ્યક્ત કરી ચિંતા
બજેટ સત્રના અંતિમ દિવસે સદનની બેઠક અનિશ્ચિતકાળ માટે સ્થિગિત કરતા પહેલા ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પોતાના પરંપરાગત સંબોધનમાં છેલ્લા 23 દિવસથી સતત ખોરવાઈ રહેલી કાર્યવાહી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સદનની કાર્યવાહી સ્થગિત થયાબાદ સભાપતિ કાર્યાલયમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સહિત અન્ય પક્ષોના નેતાઓએ નાયડુ સાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસ રાખશે ઉપવાસ
કોંગ્રેસે સંસદમાં ગતિરોધ માટે વિપક્ષને જવાબદાર ઠેરવવાના સરકારના આરોપો પર પલટવાર કરતા કહ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓ 9 એપ્રિલના રોજ તમામ રાજ્ય અને જિલ્લા મુખ્યાલયો પર વિભિન્ન મુદ્દાઓ પર ભાજપના જૂઠ્ઠાણાને બેનકાબ કરવા માટે એક દિવસનો ઉપવાસ રાખશે. કોંગ્રેસે કહ્યું કે સંસદમાં કામકાજ નહીં થવા બદલ સરકાર જ જવાબદાર છે. પાર્ટીએ સંસદમાં કામકાજ ન થવાના કારણે એનડીએના સાંસદો દ્વારા 23 દિવસનો પગાર ન લેવાના પગલાંને નોટંકી ગણાવી હતી.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે તેમની પાર્ટીએ રાજ્યસભા સભાપતિની મુલાકાત કરીને તેમને ભલામણ કરી કે સદનનું સત્રાવસન ન કરવામાં આવે જેથી કરીને તેને બે સપ્તાહ માટે ફરીથી બોલાવી શકાય. પાર્ટીએ કહ્યું કે આ દરમિયાન હોબાળા અને અડચણોના કારણે જે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ ચર્ચા વિચારણા ન થઈ શકે તેના પર ચર્ચા કરાવવામાં આવે. પરંતુ તેમની વાત સ્વીકારાઈ નહીં. કોંગ્રેસે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમામ રાજ્યો અને જિલ્લા મુખ્યાલયો પર પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા દેશમાં શાંતિ, ભાઈચારા અને સૌહાર્દને પ્રોત્સાહન આપવા માટે ઉપવાસની જાહેરાત કરી છે.