ધનબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી ધનબાદના એક વિદ્યાર્થીની ઈચ્છા પૂરી કરી છે. તેમણે પંચાયતી રાજ દિવસના અવસરે મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં સોના જેવી દેખાતી માળા પહેરી હતી તે માળા આઈઆઈટી ધનબાદના રબેશકુમારને ઉપહાર તરીકે ભેંટ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડના ધનબાદ સ્થિત આઈઆઈટી (આઈએસએમ)ના વિદ્યાર્થી રબેશકુમાર સિંહે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મનની ઈચ્છા જણાવી અને પીએમ મોદીએ તરત તે ઈચ્છા પૂરી કરી. તેમણે તે માળા અને એક શુભકામના પત્ર રબેશને મોકલાવ્યો.



વાત જાણે એમ હતી કે ગત 24 એપ્રિલના રોજ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી રબેશે પીએમ મોદીને સંબોધીને ટ્વિટ કરતા લખ્યું કે પંચાયતી રાજ દિવસ પર તમને હું સાંભળી રહ્યો હતો, ખુબ જ સુંદર બોધ, તમારા ગળામાં સોનાના રંગ જેવી માળા જોઈ, ખુબ ગમી, શું મને આ માળા મળી શકે?


પીએમ મોદીએ રબેશની આ ટ્વિટને ગંભીરતાથી લીધી અને પોતાની તે માળાને એક શુભકામના પત્ર સાથે તેને મોકલાવી. મનની ઈચ્છા પૂરી થતા રબેશ ખુશખુશાલ થઈ ગયો. તેણે 2 મેના રોજ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યું કે તમારો ઉપહાર અને સ્નેહભર્યો પત્ર મેળવીને મન પ્રફુલ્લિત થઈ ગયું. આ માળા રૂપી ઉપહાર અને શુભકામના સંદેશ બદલ તમને કોટિ કોટિ ધન્યવાદ.



નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ પંચાયતી રાજ દિવસના અવસરે મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં સોના જેવી દેખાતી માળા પહેરી હતી. જેને જોઈને રબેશકુમારે ટ્વિટ કરીને પોતાના માટે આ માળા માંગી હતી. પીએમ મોદીએ તેની આ ઈચ્છા પૂરી કરી.