PM Modi Karnataka Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 અને 21 જૂન 2022ના રોજ કર્ણાટકની મુલાકાતે રહેશે. 20 જૂનના રોજ બપોરે લગભગ 12.30 કલાકે પ્રધાનમંત્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુની મુલાકાત લેશે જ્યાં તેઓ બ્રેઇન સંશોધન કેન્દ્ર (CBR)નું ઉદ્ધાટન કરશે અને તેઓ બાગ્ચી- પાર્થસારથી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. બપોરે અંદાજે 1:45 કલાકે, તેઓ બેંગલુરુ ખાતે આવેલી ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (BASE)ની મુલાકાત લેશે જ્યાં તેઓ BASE યુનિવર્સિટીના નવનિર્મિત પરિસંકુલનું ઉદ્ઘાટન કરશે અને ડૉ. બી. આર. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરશે. તેઓ 150 ‘ટેકનોલોજી હબ’ રાષ્ટ્રને સમર્પિત કરશે જેને કર્ણાટકમાં ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ (ITI) દ્વારા વિકસાવવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ, બપોરે લગભગ 2:45 કલાકે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં કોમ્માઘાટ્ટા ખાતે પહોંચશે જ્યાં તેઓ લગભગ 27000 કરોડ રૂપિયાની વિવિધ રેલવે અને માર્ગ માળખાકીય સુવિધા પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. તે પછી, સાંજે લગભગ 5:30 કલાકે, પ્રધાનમંત્રી મૈસૂરમાં આવેલા મહારાજા કોલેજ ગ્રાઉન્ડમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં તેઓ નાગનહલ્લી રેલવે સ્ટેશનના કોચિંગ ટર્મિનલનો શિલાન્યાસ કરશે અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હીઅરિંગ (AIISH) ખાતે તૈયાર કરવામાં આવેલું ‘સંવાદની બીમારી ધરાવતા લોકો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ રાષ્ટ્રને સમર્પિત કરશે. તે પછી, સાંજે લગભગ 7 વાગે, પ્રધાનમંત્રી મૈસૂલમાં આવેલા શ્રી સુત્તૂરક મઠની મુલાકાત લેશે અને રાત્રે લગભગ 7:45 કલાકે તેઓ મૈસૂરમાં આવેલા શ્રી ચામુંડેશ્વરી મંદિરની મુલાકાત લેશે. 21 જૂનના રોજ સવારે લગભગ 6:30 કલાકે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 8મા સંસ્કરણ નિમિત્તે મૈસૂર પેલેસ ગ્રાઉન્ડમાં યોજવામાં આવનારા સામૂહિક યોગ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી ભાગ લેશે.


પ્રધાનમંત્રીની બેંગલુરુની મુલાકાત
બેંગલુરુમાં લોકોના આવનજાવનની સુવિધામાં વધારો કરવા અને કનેક્ટિવિટીને વેગ આપવાની દિશામાં એક ડગલું આગળ વધીને, પ્રધાનમંત્રી બેંગલુરુ ઉપનગરીય રેલવે પરિયોજના (BSRP)નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના તેની ઉપનગરીય અને સેટેલાઇટ ટાઉનશીપ (આસપાસમાં આવેલા વિસ્તારો)ને જોડશે. આ પરિયોજના અંદાજે રૂપિયા 15,700 કરોડ કરતાં વધારે ખર્ચે તૈયાર થશે અને તેમાં કુલ 148 કિમી લંબાઇના 4 કોરિડોર તૈયાર કરવાની પરિકલ્પના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી બેંગલુરુ કેન્ટોન્મેન્ટના પુનર્વિકાસની પરિયોજના અને યશવંતપુર જંકશન રેલવે સ્ટેશનનો પણ શિલાન્યાસ કરશે જે અનુક્રમે લગભગ રૂપિયા 500 કરોડ અને રૂપિયા 375 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.


આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભારતનું પ્રથમ એર કન્ડિશન્સ રેલવે સ્ટેશન – સર એમ. વિશ્વેશ્વરાય રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરશે જે બાયપ્પનહલ્લી ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેસન કુલ રૂપિયા 315 કરોડના અંદાજિત ખર્ચ સાથે આધુનિક હવાઇમથકોની જેમ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ઉડુપી, મડગાંવ અને રત્નાગિરીથી ઇલેક્ટ્રિક ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રોહા (મહારાષ્ટ્ર)થી થોકુર (કર્ણાટક) સુધીની કોંકણ રેલવે લાઇન (લગભગ 740 કિમી)નું 100 ટકા વિદ્યુતિકરણ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. કોંકણ રેલવે લાઇનનું વિદ્યુતિકરણ રૂપિયા 1280 કરોડ કરતાં વધારે ખર્ચે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી બે રેલવે લાઇન ડબલિંગ પરિયોજનાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જેમાં આર્સીકેરેથી તુમકુર (અંદાજે 96 કિમી) અને યેલાહંકાથી પેનુકોંડા (અંદાજે 120 કિમી)ની રેલવે લાઇનો પર અનુક્રમે પેસેન્જર ટ્રેન અને મેમૂ ટ્રેનને તેઓ લીલી ઝંડી બતાવીને રવાના કરશે. બે રેલવે લાઇન ડબલિંગ પરિયોજનાઓ અનુક્રમે રૂપિયા 750 કરોડ અને રૂપિયા 1100 કરોડ કરતાં વધારે ખર્ચે તૈયાર કરવામાં આવી છે.   


કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી બેંગલુરુ રિંગ રોડ પરિયોજનાઓના બે વિભાગનો શિલાન્યાસ પણ કરશે. આ પરિયોજના રૂપિયા 2280 કરોડ કરતાં વધારે ખર્ચે તૈયાર કરવામાં આવશે અને તેનાથી શહેરમાં ટ્રાફિકની ગીચતા ઓછી કરવામાં મદદ મળી રહેશે. પ્રધાનમંત્રી અન્ય વિવિધ માર્ગ પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે જેમાં, NH-48ના નેલમંગલા-તુમકુર વિભાગને છ માર્ગી બનાવવાની પરિયોજના; NH-73ના પુંજલકટ્ટે-ચરમડી વિભાગને પહોળો કરવાનું કામ; NH-69 ના વિભાગનું પુનર્વસન અને અપગ્રેડ કરવાનું કામ સામેલ છે. આ પરિયોજનાઓમાં કુલ અંદાજે રૂપિયા 3150 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કનો પણ શિલાન્યાસ કરશે, જેનું નિર્માણ બેંગલુરુથી લગભગ 40 કિમી દૂર મુદ્દલિંગનહલ્લી ખાતે લગભગ રૂ. 1800 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ પાર્ક તૈયાર થઇ જવાથી પરિવહન, હેન્ડલિંગ અને ગૌણ નૂર ખર્ચ ઘટાડવામાં મદદ મળી રહેશે.


પ્રધાનમંત્રી બેંગલુરુ ખાતે આવેલી ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (BASE) યુનિવર્સિટીના નવા પરિસંકુલનું ઉદ્ઘાટન કરશે. સ્વતંત્ર ભારતના વિકાસમાં ડૉ. બી. આર. આંબેડકર દ્વારા આપવામાં આવેલા અનુકરણીય યોગદાનના સન્માનમાં અને તેમની 125મી જન્મજયંતિના અવસરે તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ રૂપે 2017માં અહીં નિવાસી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.


BASE યુનિવર્સિટી ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી 150 ‘ટેકનોલોજી હબ’ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. સમગ્ર કર્ણાટકમાં ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ (ITI) દ્વારા આ હબ વિકસાવવામાં આવ્યા છે. આ અનન્ય પહેલ રૂપિયા 4600 કરોડ કરતાં વધારે ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને સંખ્યાબંધ ઔદ્યોગિક ભાગીદારો તરફથી પણ તેને સમર્થન આપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રી 4.0 માનવબળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કૌશલ્યપૂર્ણ કાર્યબળ તૈયાર કરવાનો છે. આ ટેકનોલોજી હબ, તેના વિવિધ નવીન અભ્યાસક્રમો દ્વારા, અત્યાધુનિક ટેકનોલોજીમાં ઉચ્ચ કૌશલ્ય તાલીમ પૂરી પાડશે અને ITI સ્નાતકો માટે રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની તકોમાં સુધારો કરશે.


IISc બેંગલુરુ ખાતે, પ્રધાનમંત્રી બ્રેઇન સંશોધન કેન્દ્ર (CBR)નું ઉદ્ઘાટન કરશે. આ કેન્દ્રનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીએ જ કર્યો હતો. આ કેન્દ્ર પોતાની રીતે અનોખી સંશોધન સુવિધા તરીકે વિકસાવવામાં આવ્યું છે અને વય-સંબંધિત મગજની વિકૃતિઓ/બીમારીઓનું સંચાલન કરવા માટે પુરાવા આધારિત જાહેર આરોગ્ય હસ્તક્ષેપો પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ સંશોધન હાથ ધરવામાં આવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી 832 પથારીવાળી બાગ્ચી પાર્થસારથી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. આ હોસ્પિટલ IISc બેંગલુરુના સંકુલમાં નિર્માણ પામશે અને પ્રતિષ્ઠિત સંસ્થામાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને મેડિસિનને એકીકૃત કરવામાં મદદ કરશે. તે દેશમાં ક્લિનિકલ સંશોધનમાં મોટો વેગ આપવામાં મદદરૂપ થશે અને એવા આવિષ્કારી ઉકેલો શોધવા તરફ કામ કરશે જે દેશમાં આરોગ્ય સંભાળ સેવાઓમાં સુધારો લાવવામાં મદદરૂપ થઇ શકે.


પ્રધાનમંત્રીની મૈસૂરની મુલાકાત
મૈસૂરમાં મહારાજા કોલેજ ગ્રાઉન્ડ ખાતે, યોજાનારા એક જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે અને અહીં તેઓ નાગનહલ્લી રેલવે સ્ટેશન ખાતે ઉપનગરીય ટ્રાફિક માટે કોચિંગ ટર્મિનલનો શિલાન્યાસ કરશે. આ ટર્મનિલ રૂપિયા 480 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ કોચિંગ ટર્મિનલમાં એક મેમૂ શેડ પણ હશે અને તેના કારણે હાલની મૈસૂર યાર્ડની ગીચતા દૂર થશે, વધુ મેમૂ ટ્રેન સેવાઓ અને મૈસૂરથી લાંબા અંતરની ટ્રેનો ચલાવવાની સુવિધા પ્રાપ્ત થશે, આ ક્ષેત્રની કનેક્ટિવિટી અને પર્યટનની સંભાવનાઓ બંનેમાં સુધારો આવશે. આનાથી દૈનિક આવનજાવન કરતા મુસાફરો તેમજ લાંબા અંતરના સ્થળોએ મુસાફરી કરનારાઓને ફાયદો થશે.


આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પીચ એન્ડ હીઅરિંગ (AIISH) ખાતે તૈયાર કરવામાં આવેલું ‘સંવાદની બીમારી ધરાવતા લોકો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ રાષ્ટ્રને સમર્પિત કરશે. તે અત્યાધુનિક લેબોરેટરીઓથી સજ્જ છે અને સંચાર સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોના નિદાન, મૂલ્યાંકન અને પુનર્વસન માટેની સુવિધાઓથી સજ્જ છે.


21 જૂનના રોજ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના 8મા સંસ્કરણ નિમિત્તે મૈસૂરમાં આવેલા મૈસૂર પેલેસ ગ્રાઉન્ડ ખાતે એક સામૂહિક યોગ પ્રદર્શન કાર્યક્રમ યોજાશે જેમાં પ્રધાનમંત્રી તેમજ હજારો લોકો ભાગ લેશે. આઝાદી કા અમૃત મહોત્સવને 8મા IDYની ઉજવણી સાથે એકીકૃત કરીને, મૈસૂર ખાતે પ્રધાનમંત્રી યોગ પ્રદર્શનમાં ભાગ લેશે અને સાથે સાથે સમગ્ર દેશમાં 75 કેન્દ્રીય મંત્રીઓના નેતૃત્વ હેઠળ 75 સુપ્રસિદ્ધ સ્થળોએ સામૂહિક યોગ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે. વિવિધ શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, કોર્પોરેટ અને અન્ય નાગરિક સમાજ સંગઠનો દ્વારા પણ યોગ પ્રદર્શનો યોજવામાં આવશે અને દેશભરના કરોડો લોકો તેમાં ભાગ લેશે.


મૈસૂર ખાતે યોજાનારો પ્રધાનમંત્રીનો યોગ કાર્યક્રમ નવતર કાર્યક્રમ ‘ગાર્ડિયન યોગ રિંગ’નો પણ હિસ્સો રહેશે જે વિદેશમાં આવેલા ભારતીય મિશનોની સાથે સાથે 79 દેશો અને સંયુક્ત રાષ્ટ્ર સંગઠન વચ્ચે સહયોગ સાથે હાથ ધરવામાં આવેલી એક કવાયત છે. તેના ભાગરૂપે રાષ્ટ્રોની સીમાઓથી આગળ વધીને યોગની એકતાની તાકાતનું તેમાં નિરૂપણ કરવામાં આવશે. સમગ્ર દુનિયામાં જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય તેમ તેમ રીતે સામૂહિક યોગ પ્રદર્શનોમાં ભાગ લઇ રહેલા દેશોને જો કોઇ એક બિંદુથી જોવામાં આવે તો સૂર્યની જેમ આગળ વધી રહ્યું હોય તેમ લાગે છે, જે એક રીતે જોવામાં આવે તો, ‘એક સૂર્ય, એક પૃથ્વી’ની પરિકલ્પનાને રેખાંકિત કરતી હોય તેવું લાગે છે. 21 જૂન 2022ના રોજ  ભારતીય સમય અનુસાર પરોઢે 3 વાગ્યાથી શરૂ થઇને (ફિજીથી પ્રસારણ) ભારતીય સમય અનુસાર રાત્રે 10 વાગ્યા સુધી (સાન ફ્રાન્સિસ્કો USAથી પ્રસારણ) DD ઇન્ડિયા પર આ નવતર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ભાગ રૂપે, મૈસૂરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનું DD ઇન્ડિયા પર ભારતીય સમય અનુસાર સવારે 06:30 થી જીવંત પ્રસારણ કરવામાં આવશે.


વર્ષ 2015થી, દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોગ દિવસની થીમ ‘માનવજાત માટે યોગ’ રાખવામાં આવી છે. આ થીમ કેવી રીતે યોગે કોવિડ મહામારી દરમિયાન માનવજાતનું દુઃખ દૂર કરવામાં સેવા આપી તેનું નિરૂપણ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube