નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા  દેશવાસીઓ સાથે પોતાના વિચારો શેર કર્યાં.  મન કી બાતની 48મી શ્રેણી છે. આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવર્ક પરથી પ્રસારિત કરવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત કરતા તેમણે કહ્યું કે દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો અને સેનાના જવાનો પર ગર્વ છે. પ્રત્યેક ભારતીય પછી ભલે તે ગમે તે ક્ષેત્ર હોય, જાતિ, ધર્મનો કેમ ન હોય પરંતુ આપણા સૈનિકો પ્રત્યે પોતાની ખુશી અને સમર્થન અભિવ્યક્ત કરવા માટે હંમેશા તત્પર રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરતા પરાક્રમ પર્વ મનાવ્યું. જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર આતંકવાદની આડમાં છલયુદ્ધની ધૃષ્ટતા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પરાક્રમ પર્વ પર દેશમાં અલગ અલગ સ્થાનો પર આપણા સશસ્ત્ર દળોએ પ્રદર્શનો લગાવ્યાં જેથી કરીને નાગરિકો ખાસ કરીને યુવા પેઢી એ જાણી શકે કે આપણી તાકાત શું છે. આપણે કેટલા સક્ષમ છીએ અને કેવી રીતે આપણા સૈનિકો જીવ જોખમમાં નાખીને દેશવાસીઓની રક્ષા કરે છે. 


સ્વચ્છતા જ સેવા અભિયાન
પીએમ મોદીએ કહ્યું કે 15 સપ્ટેમ્બરથી દેશમાં સ્વચ્છતા જ સેવા અભિયાનનો પ્રારંભ થયો. કરોડો લોકો આ અભિયાન સાથે જોડાયા અને મને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે દિલ્હીના આંમ્બેડકર સ્કૂલમાં બાળકો સાથે સ્વચ્છતા શ્રમદાન કરું. હું તે શાળામાં ગયો જેનો પાયો પૂજ્ય બાબાસાહેબે પોતે રાખ્યો હતો. તેમણે કહ્યું કે દેશભરમાં દરેક તબક્કાના લોકો આ શ્રમદાન સાથે જોડાયા. સંસ્થાઓએ પણ તેમાં પોત પોતાનું યોગદાન આપ્યું. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, યુવા સંગઠન, મીડિયા કોર્પોરેટ જગત બધાએ મોટા પાયે શ્રમદાન કર્યું. હું આ માટે બધા સ્વચ્છતા પ્રેમીઓને અભિનંદન પાઠવું છું. 


તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશન ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક સફળ કહાની બની ચૂક્યું છે. જેના અંગે દરેક જણ વાત કરી રહ્યું છે. આ વખતે ભારત ઈતિહાસમાં દુનિયાનુ સૌથી મોટુ સ્વચ્છતા સંમેલન આયોજિત કરી રહ્યું છે. 'મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન'.


દેશે પરાક્રમ પર્વની કરી ઉજવણી 
પરાક્રમ પર્વના અવસરે વડાપ્રધાને વીરોની ભૂમિ રાજસ્થાનના જોધપુરમાં એક કાર્યક્રમમાં પોતે ભાગ લીધો હતો તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે એ નક્કી થઈ ચૂક્યું છે કે જે લોકો રાષ્ટ્રમાં શાંતિ અને ઉન્નતિના માહોલને નષ્ટ કરવાના પ્રયત્નો કરશે તેમને આપણા સૈનિકો જડબાતોડ જવાબ આપશે. પીએમ મોદીએ કહ્યું કે પરાક્રમ પર્વ જેવા દિવસ યુવાઓને આપણી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વિરાસતની યાદ અપાવે છે. અને દેશની એક્તા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે પણ આપણને પ્રેરિત કરે છે. 



સેનાએ હંમેશા આપ્યો જડબાતોડ જવાબ
1947માં વાયુસેનાએ શ્રીનગરના હુમલાખોરોને બચાવવા માટે સુનિશ્ચિત કર્યું કે ભારતીય સૈનિકો અને ઉપકરણ યુદ્ધના મેદાન સુધી સમયસર પહોચી જાય. વાયુસેનાએ 1965માં પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1999ના કારગિલને ઘૂસણખોરોના કબ્જામાંથી મુક્ત કરાવવામાં પણ વાયુસેનાની ભૂમિકા મહત્વની રહી હતી. રાહત કાર્ય હોય કે બચાવ કાર્ય હોય કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપણા વોરિયર્સના સરાહનીય કાર્યને લઈને દેશ વાયુસેના પ્રત્યે કૃતજ્ઞ છે. 


'શાંતિમાં વિશ્વાસ કરીએ છીએ'
તેમણે કહ્યું કે અમે શાંતિમાં વિશ્વાસ કરીએ છીએ અને તેને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ સન્માન સાથે સમાધાન કરીને કે રાષ્ટ્રની સંપ્રભુતાની કિંમત પર કદાપી નહીં. ભારત હંમેશથી શાંતિ માટે વચનબદ્ધ અને સમર્પિત રહ્યું છે. તેમણે કહ્યું કે 23 ડિસેમ્બરના રોજ અમે ઈઝરાયેલમાં હાઈફાની લડાઈના સો વર્ષ પૂરા થવા પર મૈસૂર, હૈદરાબાદ, અને જોધપુર લાંસર્રના આપણા વીર સૈનિકોને યાદ કર્યા હતાં. જેમણે આક્રાન્તાઓથી હાઈફાને મુક્તિ અપાઈ હતી. એ પણ શાંતિની દિશામાં આપણા સૈનિકો દ્વારા કરવામાં આવેલું એક પરાક્રમ જ હતું. 


વાયુસેનાની તાકાત બતાવી
વડાપ્રધાને કહ્યું કે આજે પણ સંયુક્ત રાષ્ટ્રની અલગ અલગ શાંતિ સેનાઓમાં ભારત સૌથી વધુ સૈનિક મોકલનારા દેશોમાંથી એક છે. દાયકાઓથી આપણા બહાદૂર સૈનિકોએ નીલી હેલમેટ પહેરીને વિશ્વમાં શાંતિ કાયમ રાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે 8 ઓક્ટોબરે આપણે વાયુસેના દિવસની ઉજવણી કરીએ છીએ. 1932માં છ પાયલટ અને 19 વાયુસૈનિકોની સાથે એક નાની શરૂઆતથી આપણી વાયુસેના આજે 21મી સદીની સૌથી સાહસિક અને શક્તિશાળી વાયુસેનાઓમાં સામેલ થઈ ચૂકી છે. જે પોતાનામાં જ એક યાદગાર યાત્રા છે. 



વાયુસેનાએ ખોલ્યા મહિલાઓ માટે દરવાજા
દેશમાં સ્ત્રી અને પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવા વાયુસેનાએ મિસાલ કાર્યક્રમ કરીને પોતાના પ્રત્યેક વિભાગના દ્વાર તેમના માટે ખોલી નાખ્યા છે. હવે મહિલાઓ પાસે શોર્ટ સર્વિસ કમિશનની સાથે સ્થાયી કમિશનનો વિકલ્પ પણ છે. જેની જાહેરાત વડાપ્રધાને લાલ કિલ્લા પરથી કરી છે. ભારત ગર્વથી કહી શકે છે કે ભારતની સેનામાં સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નહીં પરંતુ સ્ત્રી શક્તિનું પણ એટલું જ યોગદાન રહ્યું છે. નારી સશક્ત તો છે, હવે સશસ્ત્ર પણ બની રહી છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ 26 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ 47મી શ્રેણીમાં મહિલા સુરક્ષા પ્રતિ પોતાની સરકારની પ્રતિબદ્ધતા જતાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશની નારી શક્તિ વિરુદ્ધ કોઈ પણ સભ્ય સમાજ કોઈ પણ પ્રકારનો અન્યાય સહન કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે આ ઉદ્દેશ્યથી દુષ્કર્મના દોષિતો વિરુદ્ધ કઠોર કાયદો બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માટે ટ્રિપલ તલાક સંબંધિત બિલ સંસદમાં મંજૂરી માટે પ્રયત્ન કરાઈ રહ્યાં છે.