પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને જરાય અટક્યા વગર કામ કરવાની શીખામણ આપતા પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ તથા ઈન્ફોર્મનો નારો આપ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હીના સુષમા સ્વરાજ ભ વનમાં ચાલેલી મેરેથોન બેઠકમાં પીએમ મોદીએ સરકારના કામકાજ, સરકારની ઉપલબ્ધિઓના પ્રચાર અને પ્રસાર તથા જનકલ્યાણકારી યોજનાઓ સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લગભગ 40 મિનિટ સુધી પોતાના તમામ મંત્રીઓને સંબોધન કર્યું. પીએમ મોદીએ મંત્રીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સહારે પણ જનતા સાથે જોડાવવાનું કહ્યું અને કહ્યું કે જેનાથી એ સંદેશ આપવામાં આવે કે સરકાર જવાબદારીથી કામ કરી રહી છે. મંત્રીઓને કહેવાયું કે તેઓ સરકારના 100 દિવસ પૂરા થવા પર પોત પોતાના મંત્રાલયોના 10 મોટા નિર્ણય અંગે જાણકારી આપે અને તેનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર પણ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તો નાનો ડોઝ હતો...
પાંચ કલાકથી વધુ સમય ચાલેલી મંત્રી પરિષદની આ બેઠકમાં પીએમ મોદીએ પહેલીવાર મંત્રી બનેલા નવા મંત્રીઓ સાથે ખાસ કરીને વાતચીત કરી. બેઠકના સમાપન પર તેમણે હળવા અંદાજમાં મંત્રીઓને એમ પણ કહ્યું કે આ તો ફક્ત એક નાનકડો ડોઝ હતો અને તેમને પૂરી આશા છે કે મંત્રીઓને અટક્યા વગર કામ કરવાની રીતભાતની આદત પડી જશે. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા સંસદમાં કરાયેલા બજેટ જાહેરાતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. એ પણ નક્કી કરાયું કે જે યોજનાઓના 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેમની 5 સપ્ટેમ્બરે ઉજવણી કરાશે. 


એ 73 નિર્ણયો
બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં અત્યાર સુધી લેવાયેલા 73 મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો પર એક પ્રેઝન્ટેશન પણ આપ્યું. આ સાથે જ સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્ર તથા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા સુધારાને લઈને બે વધુ પીપીટી પ્રેઝન્ટેશન પણ દેખાડવામાં આવ્યા. પીએમ મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં કહ્યું કે આપણી પાસે હાલ 2029 સુધીનું મેન્ડેટ છે અને આપણે દેશને આગળ લઈ જવાની દિશામાં કામ કરીએ છીએ. આ સિવાય આપણી પાસે 2047 સુધી વિક્સિત ભારતનો પણ પ્લાન છે. 


મોદીનું મહિલાઓ અને ગરીબો પર ફોકસ
પીએમ મોદીએ મંત્રીઓ અને નોકરાશહોને મહિલાઓ અને ગરીબોની સામે આવતી સમસ્યાઓને દૂર કરવા માટે સામાજિક નીતિઓને પ્રભાવી ઢંગથી લાગૂ કરવાની દિશામાં કામ કરવાનો આગ્રહ કર્યો. સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસના એજન્ડા પર પ્રગતિની સમીક્ષા કરાઈ. પીએમ મોદીએ મંત્રીઓ અને ટોચના નોકરશાહોને કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં સારું કામ કર્યું છે અને આગામી પાંચ વર્ષ સુધી પણ આ ઝડપથી કામ કરવાનું ચાલુ રહેશે. મોદીએ મંત્રીઓ અને અધિકારીઓને કહ્યું કે તેમણે લોકોને આશ્વાસન આપ્યું છે કે જે રીતે ગત દાયકામાં વિકાસ થયો એ જ ગતિથી વિકાસ ચાલુ રહેશે કારણ કે તેમને તેમના પર ભરોસો છે. 


મંત્રી પરિષદની બેઠક સામાન્ય રીતે દર અઠવાડિયે થતી કેબિનેટ બેઠકથી અલગ અને મોટી હોય છે. કેબિનેટ બેઠકમાં ફક્ત કેબિનેટ મંત્રીઓ અને તેમના વિભાગો સાથે જોડાયેલા મંત્રીઓ સામેલ હોય છે જેમાં વિભાગોના એજન્ડા પર ચર્ચા થતી હોય છે. જ્યારે મંત્રી પરિષદની બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ સાથે તમામ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર પ્રભાર)અને તમા રાજ્ય મંત્રીઓ સામેલ હોય છે.