`નયા ભારત`, `આધુનિક ભારત`ના નિર્માણ માટે વડાપ્રધાન મોદીનું આહ્વાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17મી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર જવાબ આપતા કહ્યું કે, અમારી સરકાર ગરીબોને સમર્પિત છે અને દેશને અત્યાધુનિક બનાવવા કામ કરી રહી છે.
નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નવી ચૂંટાયેલી 17મી લોકસભાના પ્રથમ સત્રના બંને ગૃહના રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર માનતા દેશવાસીઓને 'નયા ભારત', 'આધુનિક ભારત'ના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાને ભ્રષ્ટાચાર સામે પોતાની સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મુક્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકાર આતંકવાદનો નાબૂદ કરવા માટે પણ દરેક સ્તરે કામ કરશે. અમે મહિલા સશક્તીકરણના મુદ્દે પણ કામ કરવા માગીએ છીએ.
અમારી સરકારનું સપનું છે 'નયા ભારત', 'અત્યાધુનિક ભારત', 'ઈઝ ઓફ લિવિંગ'. દેશને આગળ લઈ જવા માટે દરેક ક્ષેત્રમાં કામ કરવુ પડશે. રાષ્ટ્રપતિએ દેશને આધુનિક્તાના ક્ષેત્રે આગળ કઈ રીતે લઈ જવું તેના પર ભાર મુક્યો છે.
પીએમ મોદીએ દેશના અર્થતંત્રને 5 ટ્રીલિયનનું બનાવવા માટે તમામ પક્ષોને આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. 'જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને હવે જય અનુસંધાન' નવું સૂત્ર બનાવવું પડશે. ભારત પાસે વિશાળ મેઘાશક્તી રહેલી છે અને યુવાનો ઈનોવેશન કરી રહ્યા છે.
ભારત પાસે શસ્ત્રોના નિર્માણની 200થી વધુ ફેક્ટરીઓ હતી. દેશ આઝાદ થયો ત્યારે પણ ભારત પાસે શસ્ત્રોના નિર્માણની 15થી 18 ફેક્ટરીઓ હતી. અમે 'મેક ઈન ઈન્ડિયા' અમલમાં મુકીને દેશને શસ્ત્રો પર આધારિત દેશમાંથી શસ્ત્રોનો નિર્માણ કરતો દેશ બનાવવા માગીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે, રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારત દેશની મહિલાઓની બે મુખ્ય સમસ્યા છે 'પાણી અને પાયખાના'. અમારી સરકારે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કર્યું છે. આ વખતની સરકારમાં અમે પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ 'જળશક્તિ મંત્રાલય'નું નિર્માણ કર્યું છે. જળસંચયની સાથે-સાથે જળનું સિંચન પણ કરવું પડશે.
વડાપ્રધાને ગૃહમાં થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ચર્ચાના સંદર્ભમાં હું સરદાર સરોવર ડેમની કેટલીક હકીકતો રજૂ કરવા માગું છું. સરદાર સરોવર ડેમનો પાયો પંડિત નહેરૂએ નાખ્યો હતો. રૂ.6000 કરોડનો આ પ્રોજેક્ટ અનેક વિધ્નોને કારણે રૂ.60,000 સુધી પહોંચી ગયો. મારી સરકારે આ પ્રોજેક્ટને પુરું કરવાનું કામ કર્યું અને આજે ગુજરાતના ગામે-ગામે તેના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ સરકારની રચના થયે હજુ ત્રણ અઠવાડિયા જ થયા છે, પરંતુ આ સરકારે ત્રણ મહત્વપૂર્ણ લઈ લીધા છે. અમે ચૂંટણીમાં જે વચન આપ્યા હતા તેને માત્ર ત્રણ સપ્તાહમાં જ પુરા કરી લીધા છે.
વડાપ્રધાન મોદીએ શાયરી બોલીને 130 કરોડની જનતા અંગે પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, "જબ હોંસલા બના લિયા ઊંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા".