હિના ચૌહાણ, અમદાવાદ: આજથી પાંચ કે છ હજાર વર્ષ પછી જો કોઈએ ભારતની સંસ્કૃતિ વિશે જાણવું હશે તો તે શું કરશે? અથવા તમે તમારા કોઈ કિંમતી દસ્તાવેજ અથવા વારસો આવનારી પેઢીને સોંપવા માટે શું કરશો? કોઈ કિંમતી ચીજ વસ્તુ સૌ કોઈથી છુપાવીને કઈ રીતે રાખી શકાય? હજારો વર્ષો બાદ પૃથ્વી વિશે કોઈએ જાણકારી મેળવવી હશે તો તેના માટે શું કરી શકાશે? આવા અનેક સવાલો તમારા મનમાં આવે છે. તો તેનો એક ઉપાય છે. અને તે છે ટાઈમ કેપ્સૂલ. જેનાથી તમે આવનારી પેઢી માટે કોઈ કિંમતી વારસો, સંસ્કૃતિ કે પછી અન્ય કોઈ ચીજવસ્તુને સાચવી શકશો. માત્ર માણસ જ નહીં પણ કોઈ પણ કુદરતી આફતથી બચાવીને સાચવી રાખવા માટે ટાઈમ કેપ્સૂલનો ઉપયોગ થાય છે. તમને થશે આ ટાઈમ કેપ્સૂલ શું છે અને તેનાથી કઈ રીતે કોઈ ખાનગી દસ્તાવેજ કે વારસાને સાચવી શકાય. તો સૌથી પહેલાં જાણીએ ટાઈમ કેપ્સૂલ શું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈમ કેપ્સૂલ શું હોય છે?
ટાઈમ કેપ્સૂલ ધાતુના એક કન્ટેનર જેવું હોય છે. જેને વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. આ દરેક હવામાનનો સામનો કરવા સક્ષમ હોય છે. જેને જમીનની અંદર ઘણી ઉંડાઈએ મૂકવામાં આવે છે. છતાં પણ તે સડતું કે ઓગળતું નથી અને સુરક્ષિત રહે છે. ટાઈમ કેપ્સૂલને જમીનમાં મૂકવાનો મુખ્ય હેતુ કોઈ સમાજ, કાળ અથવા દેશના ઈતિહાસને સુરક્ષિત રાખવાનો હોય છે જેથી ભવિષ્યની પેઢીને કોઈ વિશેષ યુગ, સમાજ અને દેશ વિશે જાણવામાં મદદ મળે. આ ટાઈમ કેપ્સૂલ હજારો વર્ષો સુધી જમાનીની ઉંડાઈએ સુરક્ષિત રહી શકે છે. હજારો ફૂટ નીચે જમીનની અંદર તેને રાખવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ આ ટાઈમ કેપ્સૂલનો ઉપયોગ થાય છે. જરૂરી નથી ટાઈમ કેપ્સૂલ કોઈ કન્ટેનર જ હોય. તે કોઈ પણ આકારમાં બનેલું હોય શકે છે. જેમાં કોઈપણ પોતાની કિંમતી વસ્તુને છુપાવીને અથવા સાચવીને જમીનની અંદર રાખી શકે છે.


વિમાનમાં રાખવામાં આવતા બ્લેક બોક્સને તમે આની સાથે જોડીને સમજી શકો છો
રિપાર્ટ મુજબ પુરાતત્વવિદ અને હેરિટેજ કંજર્વેશનિસ્ટ વિપુલ બી.વાષ્ણ્રેય કહે છે કે, આ કોઈ નવું કામ નથી. પ્રિ હિસ્ટોરિક કાળથી જ ટાઈમ કેપ્સૂલ અથવા તામ્રપત્રનો ઉપયોગ ઐતિહાસિક ધરોહરોની ઓળખ માટે થતો આવ્યો છે. સમ્રાટ અશોકે જે શિલાલેખ બનાવ્યાં તેની તમામ જાણકારી અત્યારે પણ સુરક્ષિત છે. જે માત્ર ટાઈમ કેપ્સૂલનું જ કમાલ છે. આ પહેલા રાજા મહારાજાના સમયમાં પણ તેઓ અમુક કિંમતી ચીજવસ્તુ અથવા તો સોના મહોર જમીનની અંદર સાચવીને રાખતા હતા જેને કોઈ હવામાન અસર કરી શકતું નહોતું.


દેશ અને વિદેશમાં ટાઈમ કેપ્સૂલનો ઉપયોગ
આ ટાઈમ કેપ્સૂલ એટલી ખાસ છે કે તેનો દુનિયાભરના દેશોમાં ઉપયોગ થાય છે. વિશ્વમાં અનેક એવી ટાઈમ કેપ્સૂલ મળી આવી છે જેમાં હજારો વર્ષ પહેલોનો વારસો સાચવીને રાખ્યો હતો. જે વર્ષો પછી એમનો એમ જ સુરક્ષિત હતો. ભારતમાં ટાઈમ કેપ્સૂલનો એક ઈતિહાસ છે જેમાં અનેક વિવાદો પણ સર્જાયા હતા.


દુનિયાની સૌથી જૂની ટાઈમ કેપ્સૂલ
30 નવેમ્બર 2017માં સ્પેનની રાજધાની મેડ્રિટથી 80 કિલોમીટર દુર એક ચર્ચની નીચેથી મૂર્તિ મળી હતી. આ મૂર્તિમાં પણ એક ટાઈમ કેપ્સૂલ હતી. જેમાં અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. જે 1777ના હતા. જેમાં આર્થિક, રાજનૈતિક અને સાંસ્કૃતિ સૂચનાઓ લખેલી હતી. સાથે જ 28મી સદીમાં સ્પેનમાં લોકોની લાઈફ સ્ટાઈલ વિશે વાત કરેલી હતી. જેને અત્યાર સુધીની સૌથી જૂની ટાઈમ કેપ્સૂલ મનાઈ છે.


અમેરિકામાં મળેલી ટાઈમ કેપ્સૂલ
અમેરિકમાં પણ એક ટાઈમ કેપ્સૂલ મળી હતી. જે 1755ની હતી. જેમાં તે સમયના કેટલાક જૂના અખબારો હતા. આ સાથે 28મી સદીના કેટલાક સિક્કા પણ હતા. જે અમેરિકામાં મળેલી સૌથી જૂની ટાઈમ કેપ્સૂલ હતી.


અત્યાર સુધીની સૌથી મોટી ટાઈમ કેપ્સૂલ જેનો ભારત સાથે સંબંધ
અત્યાર સુધીની સૌથી મોટી ટાઈમ કેપ્સૂલ બની હતી જોર્જિયામાં. જેને બનાવવામાં 4 વર્ષ લાગ્યા હતા. જે સ્ટીલથી બનેલો એક મજબૂત રૂમ હતો. જેને ક્રિપ્ટ ઓફ સિવિલાઈઝેશન નામ અપાયું હતું. જેમાં દુનિયાભરના દેશોના જરૂરી દસ્તાવેજો અને જરૂરી ચીજવસ્તુઓ રાખેલી હતી. આ રૂમમાં તમામ વસ્તુઓ સાચવી રાખવા માટે તેમાથી તમામ હવા બહાર કાઢીને એક ખાસ પ્રકારનો ગેસ ભરવામાં આવ્યો હતો. આ રૂમમાં 800 પુસ્તકો હતા. એક એવું ડિવાઈઝર છે જે ઈગ્લિંગ વાંચતા શીખવાડે છે. જો આજથી 5-6 હજાર વર્ષો પછી જો આજની સભ્યતા ખતમ થઈ જાય અને કોઈ માણસ આ રૂમમાં પહોંચી જાય તો તેને આ તમામ વસ્તુની જાણકારી મળે. અને કદાચ તે સમયમાં જો કોઈને ઈગ્લિંશ ભાષા ન આવડતી હોય તો તે આ ડિવાઈઝરથી શીખી શખશે અને આજની સ્થિતિ વિશે જાણી શકશે. આ ટાઈમ કેપ્સૂલમાં દુનિયાના સૌથી જૂના યોગા ઈન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ઈન્ડિયન યોગગુરૂ શ્રી યોગેન્દ્રજીના પુસ્તકો રાખેલા છે. જેનાથી ભારત વિશે અને ભારતની સંસ્કૃતિ વિશે જાણી શકાશે. જ્યોર્જ એડવર્ડ પેન્ડ્રીએ આ ટાઈમ કેપ્સૂલ નામ આપ્યું હોવાનું મનાઈ છે.


ભારતમાં ટાઈમ કેપ્સૂલ સંબંધિત માહિતી
ભારતમાં ટાઈમ કેપ્સૂલ સંબંધિત અનેક ઘટનાઓ જોડાયેલી છે. ભારતમાં પણ ટાઈમ કેપ્સૂલ સાથે જૂનો ઈતિહાસ જોડાયેલો છે. એક એવી જાણકારી પણ સામે આવી છે કે 1989માં જ્યારે ગર્ભગૃહની સામે રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે સમયે એક તામ્રલેખ જમીનમાં મૂકવામાં આવ્યો હતો. આ તામ્રપત્ર તે વખતના વિશ્વ હિન્દૂ પરિષદના મહાસચિવ અશોક સિંહલે તૈયાર કરાવ્યો હતો.


સૌથી ચર્ચાસ્પદ કિસ્સો ઈન્દિરાનો કાલપત્ર
બીજો અને સૌથી ચર્ચાસ્પદ કિસ્સો છે ઈન્દિરા ગાંધીનો. 15 ઓગસ્ટ 1973માં તે વખતના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ લાલકિલ્લાના પરિસરમાં જમીનથી 32 ફૂટ નીચે ટાઈમ કેપ્સૂલ મૂકી હતી. તેને બ્લેક બોક્સ નામ આપવામાં આવ્યું હતુ. તે સમયે સત્તાધારી કોંગ્રેસ અને વિપક્ષ વચ્ચે આ ટાઈમ કેપ્સૂલને લઈને ખૂબ મોટો વિવાદ થયો હતો. વિવાદ એટલો મોટો હતો કે વિપક્ષે તેને ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવી દિધો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ટાઈમ કેપ્સૂલમાં ઈન્દિરા ગાંધીએ પોતાનો અને નહેરૂ-ગાંધી પરિવારનો મહિમા મંડળ કર્યો છે. વિપક્ષી નેતાઓએ વચન પણ આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો કાલપત્રને જમીનમાંથી બહાર કાઢીને સાર્વજનિક કરશે.


નેતાજી રીડિસ્કવર્ડ નામના પુસ્તકમાં ટાઈમ કેપ્સૂલ (કાલપત્ર)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્ચારે 8 ડિસેમ્બર,1977માં આ કેપ્સૂલને જમીનમાંથી બહાર નિકાળવામાં આવી હતી. 20 ડિસેમ્બર,1977એ ટાઈમ કેપ્સૂલ કમિટીના અધ્યક્ષ યજ્ઞગદત્ત શર્માએ ઘોષણા કરી હતી કે, આમા લખવામાં આવેલા ઈતિહાસને સંસદમાં રજૂ કરવામાં આવશે. પણ પછી સંસદમાં તે ઈતિહાસ રજૂ ન થયો.. અને પછી તેનું શું થયું એ પણ કોઈ નથી જાણતું.


વર્ષ 2012-13માં ફરી આ ચર્ચા
વર્ષ 2012-13માં આ મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. જ્યારે વરિષ્ઠ પત્રકાર મધુ કિશ્વરે RTIના માધ્યમથી આ અંગેની જાણકારી માંગી હતી પણ તે વખતની કોંગ્રેસની મનમોહન સરકારે તેની કોઈ જાણકારી ન આપી. મધુ કિશ્વરે દાવો કર્યા હતો કે, ટાઈમ કેપ્સૂલમાં ઈન્દિરા ગાંધીએ પોતાનો અને નહેરૂ-ગાંધી પરિવારનો મહિમા મંડળ કર્યો હતો જેને ક્યારેય સાર્વજનિક કરવામાં ન આવ્યો.


વર્ષ 1973ની ટાઈમ કેપ્સૂલ અંગે કોંગ્રેસનો દાવો
આ મામલે કોંગ્રેસનો દાવો અલગ જ છે. વર્ષ 1973માં જ્યારે આ ટાઈમ કેપ્સૂલ દફનાવવામાં આવી તે સમયના દિલ્લી શહેર યુથ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રકાશ અગ્રવાલ જણાવે છે કે તે સમયે કોંગ્રેસ સરકારે તાંબામાંથી ટાઈમ કેપ્સૂલ તૈયાર કરાવી હતી અને તેમાં આઝાદ ભારતના 25 વર્ષોની ઉપલબ્ધિ તેમજ સંઘર્ષ ઈતિહાસને 10 હજાર શબ્દોમાં લખવામાં આવ્યો હતો. આ માટે 8 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે જનતા પાર્ટીની મોરારજી દેસાઈની સરકાર વખતે આને બહાર કાઢવા પાછળ 58 હજારનો ખર્ચો કરવામાં આવ્યો હતો.


PM મોદી CM હતા ત્યારે તેમના પર લાગ્યા હતા આરોપ
હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2001માં તેમના પર ટાઈમ કેપ્સૂલ છુપાવવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. વિપક્ષે કહ્યું હતું કે, ગાંધીનગરમાં મહાત્મા મંદિરની નીચે ટાઈમ કેપ્સૂલને છુપાવી છે જેમાં પ્રધાનમંત્રી મોદીની ઉપલ્બધિઓ વિશે વખાણ કરાયા છે.


રામમંદિરના તથ્યો અને ઈતિહાસની જાણકારી ટાઈમ કેપ્સૂલમાં?
5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તે સમયે આ ભૂમિ પૂજનમાં અયોધ્યા રામમંદિરના ગર્ભમાં લગભગ 2000 ફૂટ નીચે એક ટાઈમ કેપ્સૂલ રાખવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ રામમંદિરના ભૂમિ પૂજન બાદ ટાઈમ કેપ્સૂલ અંગે કોઈ માહિતી સામે આવી ન હતી.


તો આ હતો ટાઈમ કેપ્સૂલનો ઈતિહાસ જેને હજારો વર્ષો જૂના દસ્તાવેજો, વારસો અને માહિતી આજની પેઢી સુધી પહોંચાડ્યા. અને હવે પછીને પેઢીને આપવા માટે અથવા તો કિંમતી વસ્તુઓ સાચવવા માટે પણ આ જ ટાઈમ કેપ્સૂલનો ઉપયોગ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube