માલે/ નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત માલદીવની યાત્રા પર જશે. તેઓ અત્યાર સુધી આ અત્યંત નાનકડા અને ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વના દેશની મુલાકાતે ગયા નથી. હવે તેઓ માલદીવમાં નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાને છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, 17 નવેમ્બરના રોજ યોજાનારા રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધન નરેન્દ્ર મોદી સામેલ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આ ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીનને હરાવ્યા છે. આ સાથે જ ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પણ સમાપ્ત થવાની સંભાવના જણાઈ રહી છે. 


માલદીવ એ દેશોમાંનો એક છે જ્યાં મે 2014માં સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદી ગયા નથી. સોલિહના જીત્યા બાદ પીએમ મોદીએ જાતે જ ફોન કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. માલદીવની એક ટીવી ચેનલ રાજે ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં સોલિહે સ્વીકાર્યું કે તેમણે પીએમ મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. 


તેની સાથે જ પીએમ મોદીએ બંને દેશો વચ્ચે સહયોગ વધારવાની વાત કરી છે. આટલું જ નહીં તેમણે સોલિહને ભારત આવવા માટે પણ આમંત્રણ આપ્યું છે, જેને સોલિહે સ્વીકાર્યું છે. 


પીએમ મોદી 2015માં જવાના હતા 
દક્ષિણ એશિયાના દેશોમાં માલદીવ એકમાત્ર દેશ છે જ્યાં પીએમ મોદી પોતાના કાર્યકાળમાં ગયા નથી. 2015માં તેઓ માદલીવની યાત્રા પર જવાના હતા, પરંતુ ત્યાંના રાજકીય સંકટ અને વિરોધ પ્રદર્શનને કારણે તેમણે પોતાનો પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો. એ સમયે મોહમ્મદ નશીદની ધરપકડને કારણે દેશમાં ભારે તણાવની સ્થિતી હતી. 


સોલિહને અભિનંદન આપનારા પીએમ મોદી પ્રથમ નેતા 
અબ્દુલ્લા યમીન સામેની ચૂંટણી જીત્યા બાદ સોલિહને સૌ પ્રથમ અભિનંદન આપનારા પીએમ મોદી હતા. સોલિહે પીએમ મોદીનો આ માટે આભાર માન્યો હતો. બંને નેતાઓએ બંને દેશના સંબંધ વધુ ગાઢ કરવા અંગે ચર્ચા કરી હતી.