છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાના મામલે આજે શુક્રવારે પીએમ મોદીએ માફી માંગી. મહારાષ્ટ્રના પાલઘરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શિવાજી મહારાજ ફક્ત એક નામ નથી. તેઓ ફક્ત રાજા મહારાજા નથી. તેઓ આપણા માટે આરાધ્ય દેવ છે. હું માથું ઝૂકાવીને આપણા આરાધ્ય દેવના ચરણોમાં માથું રાખીને માફી માંગુ છું. અત્રે જણાવવાનું કે 26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના સિંધુ દુર્ગમાં શિવાજી મહારાજની પ્રતિમા પડી ગઈ હતી. 35 ફૂટ ઊંચી આ મૂર્તિનું અનાવરણ પીએમ મોદીએ ગયા વર્ષે કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પાલઘરમાં કહ્યું કે 2013માં ભાજપે મને પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બનાવ્યો. સૌથી પહેલું કામ મે જે કર્યું તે હતું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિની સામે એક ભક્ત તરીકે બેસવું અને એક નવી યાત્રા શરૂ કરવી. 


'શિવાજી મહારાજ માત્ર એક નામ નથી'
પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ આપણા માટે ફક્ત એક નામ માત્ર નથી...આજ હું માથું ઝૂકાવીને આપણા ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની માફી માંગુ છું. અમારા મૂલ્યો અલગ છે, અમે એવા લોકો નથી જે ભારતમાતાના મહાન સપૂત, આ ભૂમિના સપૂત વીર સાવરકરને ગાળો આપતા રહીએ અને તેમનું અપમાન  કરતા રહીએ. તેઓ માફી માંગવા માટે તૈયાર નથી, તે કોર્ટમાં જઈને લડવા માટે તૈયાર છે. નોંધનીય છે કે આ જે મૂર્તિ પડી તેનું અનાવરણ ગયા વર્ષે 4 ડિસેમ્બરે સિંધુદુર્ગમાં પહેલીવાર આયોજિત નૌસેના દિવસ સમારોહ દરમિયાન કરાયું હતું. તેનો હેતુ સમુદ્રી રક્ષા  અને સુરક્ષામાં મરાઠા નેવી અને છત્રપતિ શિવાજી મહારાજના વારસાનું સન્માન કરવાનું હતું. 



કોંગ્રેસે કરી હતી માફીની માંગણી
કોંગ્રેસે મૂર્તિ પડવાની ઘટનાને લઈને પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું હતું અને તેમની પાસે આ બદલ માફીની માંગણી કરી હતી. મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડે એએનઆઈના હવાલે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જેમની પૂજા મહારાષ્ટ્ર અને ભારતમાં થાય છે, જેમને અમે જનતાના રાજા કહીએ છીએ, તેમની મૂર્તિ માલવણના રાજકોટ કિલ્લામાં બનાવાઈ હતી જેનું ઉદ્ધાટન પીએમ મોદીએ કર્યું હતું. સૌથી પહેલા હું પીએમ મોદીને અરબ સાગરમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ માટે કરાયેલા ભૂમિપૂજન વિશે પૂછવા માંગુ છું. તેમણે કહ્યું કે પ્રતિમા પૂરી થાય તે પહેલા જ ઉદ્ધાટનના આઠ મહિનામાં જ તૂટી ગઈ. તેનાથી સ્પષ્ટ છે કે તેમાં ભ્રષ્ટાચાર છે. મોદીજી તમે ક્યારે માફી માંગશો?