Kochi Water Metro Launching: પીએમ મોદીએ આજે દેશની પહેલી વોટર મેટ્રોને લીલી ઝંડી દેખાડી. વોટર મેટ્રો કોચી અને આસપાસના 10 ટાપુઓને જોડશે. પહેલા તબક્કામાં કોચી વોટર મેટ્રો હાઈકોર્ટ-વાઈપિન ટર્મિનલ અને વિટ્ટિલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે શરૂ થશે. આ મેટ્રોનો પહેલો રૂટ હાઈકોર્ટ-વાયપિન પર પરિચાલન 26 એપ્રિલ સવારે 7 વાગ્યાથી શરૂ થશે. જ્યારે બીજા રૂટ વિટ્ટિલા-કક્કનાડ ટર્મિનલ પર 27 એપ્રિલની સવારે 7 વાગ્યાથી પરિચાલન શરૂ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટર મેટ્રોની ખાસ વાતો
વોટર મેટ્રો માટે બેટરીથી ચાલતી હાઈબ્રિડ બોટ્સનો ઉપયોગ કરવામાં આવશે. દરેક મેટ્રોમાં 50થી 100 મુસાફરો બેસી શકશે. વોટર મેટ્રો સંપૂર્ણ રીતે વાતાનુકુલિત હશે. રોજ 15 મિનિટના ગાળા પર 12 કલાક સુધી સેવાઓ અપાશે. શરૂઆતમાં 23 બોટ્સ અને 14 ટર્મિનલ સાથે તેની શરૂઆત થશે. આ પ્રોજેક્ટ લગભગ 1136 કરોડ રૂપિયાનો છે. 


ભાડુ
વોટર મેટ્રોનું ઓછામાં ઓછું ભાડું 20 રૂપિયા હશે. નિયમિત મુસાફરો બસ કે લોકલ ટ્રેનની જેમ સાપ્તાહિક કે માસિક પાસ પણ લઈ શકશે. અત્રે જણાવવાનું કે સાપ્તાહિક ભાડુ 180 રૂપિયા, જ્યારે માસિક ભાડું 600 રૂપિયા અને ત્રિમાસિક ભાડું 1500 રૂપિયા હશે. ટિકિટ બુક કરાવવા માટે તમે કોચિ વન એપનો ઉપયોગ કરી શકો છો. હાઈકોર્ટ-વાયપિન રૂટ માટે સિંગલ જર્ની ટિકિટનું ભાડું 20 રૂપિયા હશે જ્યારે વાયટિલા-કક્કાનાડ વચ્ચે ભાડું 30 રૂપિયા હશે. હાઈકોર્ટ વોટર મેટ્રો ટર્મિનલથી વાઈપિન પહોંચવામાં 20 મિનિટથી પણ ઓછો સમય લાગશે. 


એક જ કાર્ડથી બે મેટ્રોની સવારી
મુસાફરો 'કોચિ 1' કાર્ડનો ઉપયોગ કરીને કોચિ મેટ્રો ને વોટર મેટ્રો એમ બંનેમાં મુસાફરી કરી શકે છે. તેઓ ડિજિટલ રીતે પણ ટિકિટ બુક કરાવી શકે છે. 


પ્રોજેક્ટ પાછળનો હેતુ
આ પ્રોજેક્ટનો ઉપયોગ માત્ર જાહેર પરિવહનના સાધન તરીકે જ નહીં પરંતુ વોટરવેજ એટલે કે જળમાર્ગોથી જોડાયેલા ક્ષેત્રોના વિકાસને પણ પ્રોત્સાહન આપશે. આ મેટ્રો સેવા જે ટાપુઓ સુધી પહોંચશે ત્યાં રસ્તાઓનું નિર્માણ પણ કરાવવામાં આવશે. જેથી કરીને ટર્મિનલ સુધી આવવા જવામાં મુસાફરોને કોઈ પણ પરેશાની ન થાય. આ ઉપરાંત વ્યવસાયિક રીતે પણ આ ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે. 


વોટર મેટ્રો પ્રોજેક્ટ હેઠળ  હાલ 23 વોટર બોટ્સ અને 14 ટર્મિનલ તૈયાર કરાયા છે. આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે ત્યારે તેમાં કુલ 78 વોટર બોટ્સ હશે અને 38 ટર્મિનલ હશે. જો કે હાલ 4 ટર્મિનલ તૈયાર થઈ ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube