PM મોદીએ મણિપુરને આપી મોટી ભેટ, પૂર્વોત્તર કેવી રીતે ભારતના વિકાસનું ગેટવે છે તે પણ સમજાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પૂર્વોત્તર રાજ્ય મણિપુરના પ્રવાસે છે. પીએમ મોદીએ મણિપુરમાં 4800 કરોડ રૂપિયાથી વધુના 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
ઈમ્ફાલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પૂર્વોત્તર રાજ્ય મણિપુરના પ્રવાસે છે. પીએમ મોદીએ મણિપુરમાં 4800 કરોડ રૂપિયાથી વધુના 22 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ ઈમ્ફાલમાં એક જનસભાને પણ સંબોધિત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે એરપોર્ટથી અહીં આવ્યો તો સમગ્ર રસ્તે લગભગ આઠ કિલોમીટરની હ્યુમન વોલ જોવા મળી. તમારા લોકોનો આ પ્રેમ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. હવે થોડા દિવસ પછી 21 જાન્યુઆરીના રોજ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યે 50 વર્ષ પૂરા થઈ જશે. દેશ હાલ પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ સમય પોતાનામાં જ એક ખુબ મોટી પ્રેરણા છે.
પીએમ મોદીએ કહ્યું કે મે પહેલા પણ કહ્યું છે કે દેશનો પૂર્વ ભાગ ભારતના વિકાસનો પ્રમુખ સ્ત્રોત બનશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે મણિપુર અને નોર્થ ઈસ્ટ ભારતના ભવિષ્યમાં નવા રંગ ભરી રહ્યા છે. આટલા બધા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ થયું છે. આ બધુ મણિપુરની મણીઓ છે જે મણિપુરની શાન વધારશે.
તેમણે વધુમાં કહ્યું કે આજે મણિપુરના 60 ટકા ઘરોમાં પાઈપથી પાણી પહોંચી રહ્યું છે. જલદી મણિપુર 100 ટકાનો લક્ષ્યાંક પૂરો કરશે. આ ડબલ એન્જિનની તાકાત છે. આજે જે યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે તેમની સાથે જ આજે મણિપુરના લોકોનો ફરીથી આભાર માનુ છું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube