નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi)  મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમની આજે 77મી શ્રેણી હતી. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે દેશમાં હાલમાં જ ત્રાટકેલા બે વાવાઝોડા તૌકતે અને યાસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે હાલમાં જ છેલ્લા 10 દિવસમાં જ દેશે બે મોટા વાવાઝોડાનો સામનો કર્યો. આ દરમિયાન તેમણે એક ઓક્સિજન આપૂર્તિ કરનારા ટેન્કર ચાલક સાથે પણ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે વાવાઝોડાનો દેશે સામનો કર્યો
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે તાજેતરમાં છેલ્લા 10 દિવસમાં દેશે બે વાવાઝોડાનો સામનો કર્યો. જેણે અનેક રાજ્યોને પ્રભાવિત કર્યા. દેશ અને દેશની જનતા તેની સામે પૂરેપૂરી તાકાતથી લડી અને ઓછી જાનહાનિ સુનિશ્ચિત કરી. આપણે હવે એ અનુભવ કરીએ છીએ કે પહેલાના વર્ષોની સરખામણીએ વધુમાં વધુ લોકોના જીવ બચાવી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતનો વિજય સંકલ્પ પણ હંમેશા એટલો જ મોટો રહ્યો છે. 


પીએમ મોદીએ કહ્યું કે આફતની આ કપરી અને અસાધારણ પરિસ્થિતિમાં વાવાઝોડા પ્રભાવિત તમામ રાજ્યોના લોકોએ જે પ્રકારે સાહસનો પરિચય આપ્યો છે, આ સંકટની ઘડીમાં ખુબ ધૈર્ય સાથે, અનુશાસન સાથે સામનો કર્યો છે...હું આદરપૂર્વક, હ્રદયપૂર્વક તમામ નાગરિકોને બિરદાવવા માંગુ છું. કેન્દ્ર, રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસન તમામ, એક સાથે મળીને આફતનો સામનો કરવામાં લાગ્યા છે. જે લોકોએ આગળ આવીને રાહત અને બચાવ કાર્યમાં ભાગ લીધો એવા તમામ લોકોની જેટલી પણ પ્રશંસા કરીએ તે ઓછી છે. હું તે તમામને સેલ્યૂટ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે જેમણે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા તે તમામ લોકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. આપણે બધા આ કપરા સમયમાં જેમણે પણ આ આફતનું નુકસાન ઝેલ્યું છે તેમના પડખે મજબૂતાઈથી ઊભા છીએ. 



ખેડૂતોની મહેનત રંગ લાવી
પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડૂતોએ પણ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી છે. તેમણે દક્ષિણ ભારતના વિજયનગરના ખેડૂતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકાર ખેડૂતોના હિતમાં સતત કામ કરી રહી છે. વિજયનગરના ખેડૂતોએ કેરીનું રેકોર્ડ ઉત્પાદન કર્યું છે. તેમણે કહ્યું કે ત્યાંની ખાસ કેરી દિલ્હી સુધી પહોંચી રહી છે. કિસાન એક્સપ્રેસ દ્વારા અન્નદાતાએ વાવેલા ફળ અને શાકભાજી દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યા છે. 


મન કી બાતની 7 વર્ષની સફર
પીએમ મોદીએ કહ્યું કે 'મન કી બાતના સાત વર્ષમાં ભારતમાં આવેલા ધરમૂળ પરિવર્તનને દુનિયાએ જોયું છે. દેશવાસીઓનો ઉત્સાહ વખાણવા લાયક છે. સ્વચ્છતા હોય, સેટેલાઈટ પ્રક્ષેપણ હોય કે પછી દેશના દાયકાઓ જૂના વિવાદ પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી...આરામથી ઉકેલાયા છે. અમે 7 વર્ષોમાં એક સરકાર કરતા વધુ ટીમ ઈન્ડિયા તરીકે કામ કર્યું. દેશના દરેક નાગરિકે સરકારને મદદ કરી છે. સાત વર્ષોમાં અમે અનેક અઘરી પરીક્ષાઓ આપી છે અને તેમાંથી મજબૂત થઈને નીકળ્યા છીએ. આપણે પહેલી લહેર સામે લડત પણ પૂરેપૂરા જુસ્સાથી લડી હતી અને બીજી લહેરમાં પણ ભારત જીતશે. માસ્ક, બે ગજનું અંતર અને કોરોના રસીથી આપણે દેશવાસીઓ મળીને કોરોના મહામારી સામે જીત મેળવીશું.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube