નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ષો જૂની પ્રથા તોડીને વધુ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે. શીખ સંપ્રદાયના ગુરુ તેગ બહાદુરની આજે 400મી જન્મજયંતિ છે. આ પ્રસંગ નિમિત્તે PM મોદી આજે સૂર્યાસ્ત પછી લાલ કિલ્લા પરથી ભાષણ આપશે. આ સાથે તેઓ સૂર્યાસ્ત બાદ મુગલ યુગના સ્મારક પરથી દેશને સંબોધન કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી બની જશે. આ સાથે જ વર્ષોથી ચાલી આવતી જૂની પ્રથા તૂટશે અને એક નવો ચીલો ચિતરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM એ સંબોધન માટે શા માટે કરી લાલ કિલ્લાની પસંદગી?
PM મોદી લાલ કિલ્લાની કિલ્લા પરથી નહીં, પરંતુ મેદાનમાંથી રાષ્ટ્રને સંબોધન કરશે. સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે લાલ કિલ્લાને ગુરુ તેગ બહાદુરની 400મી જન્મજયંતિના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. કારણ કે અહીંથી જ મુઘલ શાસક ઔરંગઝેબે 1675માં તેમને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. ગુરુ તેગ બહાદુર શીખોના નવમા ગુરુ છે.


પીએમ મોદી આજે રાત્રે 9.30 વાગે લાલ કિલ્લાના પરિસરથી ભાષણ આપશે. સ્વતંત્રતા દિવસ સિવાય એવું બીજી વાર બની રહ્યું છે જ્યારે પ્રધાનમંત્રી આ ઐતિહાસિક સ્મારક પરથી ભાષણ આપશે. અગાઉ, 2018 માં, તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિંદ સરકારની રચનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જો કે, તે પ્રસંગે પીએમ મોદીનું સંબોધન સવારે 9 વાગ્યે હતું, જ્યારે આ વખતે તે સૂર્યાસ્ત પછી રાત્રે 9.30 વાગ્યે હશે.


અધિકારીઓએ જણાવ્યું કે કાર્યક્રમમાં શીખ સંગીતકારોનું પરફોર્મન્સ હશે અને ત્યારબાદ લંગર પણ હશે. પીએમ મોદી આ પ્રસંગે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. અમૃતસરના સુવર્ણ મંદિરના લોકો સહિત 400 શીખ 'જથેદાર'ના પરિવારોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, લાલ કિલ્લાની કિલ્લા એ તે જગ્યા છે જ્યાંથી પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરે છે.