વોટરોને લલચાવવા માટે PM મોદી નેપાળમાં પૂજા કરી રહ્યાં છે, જે લોકતંત્ર માટે સારું નથી: અશોક ગેહલોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે નેપાળના મંદિરમાં પૂજા કરવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેને કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જોડી દીધુ છે.
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે નેપાળના મંદિરમાં પૂજા કરવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેને કર્ણાટક વિધાનસભા ચૂંટણી સાથે જોડી દીધુ છે. એટલું જ નહીં તેમણે તો એમ પણ કહ્યું કે આ ટ્રેન્ડ લોકતંત્ર માટે યોગ્ય નથી. અશોક ગેહલોતે આજે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે ચૂંટણીના કારણે કર્ણાટકમાં આચારસંહિતા લાગુ છે. આથી મતદાતાઓને પ્રભાવિત કરવા માટે વડાપ્રધાન મોદીએ નેપાળના મંદિરમાં જીઈને પ્રાર્થના કરવાની યોજના બનાવી. લોકતંત્ર માટે આ યોગ્ય ચલણ નથી.
222 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી
બેંગ્લુરુની જયનગર સીટ પર ભાજપના ઉમેદવારના નિધન અને રાજારાજેશ્વરી નગર સીટ પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણીના નિયમોના ભંગની ફરિયાદના કારણે 222 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ બંને જગ્યાઓ માટે 28 મેના રોજ મતદાન થશે. જેનું પરિણામ 31 મેના રોજ આવશે. પ્રદેશમાં સરકાર બનાવવા માટે 113 બેઠકોની જરૂર છે. જયનગર વિધાનસભા વિસ્તારની ચૂંટણીને ભાજપના ઉમેદવાર બી એન વિજયકુમારના ચાર મેના રોજ થયેલા નિધન બાદ રદ કરાઈ હતી.
5 કરોડથી વધુ મતદારો
પ્રદેશની 2018ની મતદારોની સૂચિ મુજબ રાજ્યમાં કુલ પાંચ કરોડ છ લાખ 90 હજારથી વધુ મતદારો છે. જેમાંથી બે કરોડ 56 લાખ 75 હજારથી વધુ પુરુષ મતદારો અને બે કરોડ 50 લાખ નવ હજારથી વધુ મહિલા મતદારો છે. પ્રદેશમાં પાંચ હજારથી વધુ ટ્રાન્સઝેન્ડર મતદારો છે. 18થી 19ની ઉંમરના સમૂહના નવા મતદારોની સંખ્યા 15.42 લાખ છે. રાજ્યના 30 જિલ્લાઓના 58,008 મતદાન કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે. જેમાંથી 600 બૂથોનો રંગ ગુલાબી છે. જેમને મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. આ મતદાન કેન્દ્રો પર તમામ મહિલા સુરક્ષાકર્મીઓ છે.
પીએમ મોદીએ નેપાળના મુક્તિનાથ મંદિરમાં પૂજા કરી
બે દિવસના નેપાળ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુક્તિનાથ મંદિરમાં પૂજા કરી. વડાપ્રધાન સવારે એરક્રાફ્ટથી મુક્તિનાથ મંદિર પહોંચ્યાં. મુક્તિનાથ મંદિરમાં પૂજા કરતા પહેલા પીએમ મોદીએ બહાર ઊભેલા લોકો સાથે મુલાકાત કરી. નેપાળની જનતા સાથે પીએમ મોદીની આ મુલાકાત લગભગ 10 મિનિટ સુધી ચાલી. જનતા સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદી બધાને નમસ્તે કરતા નજરે ચડ્યાં.