PM મોદીની પંજાબના ફિરોઝપુરમાં થનારી રેલી રદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુરમાં યોજાયેલી રેલી રદ થઈ છે.
નવી દિલ્હી/ચંડીગઢ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થઈ ગયો. પહેલા રેલી રદ થવા પાછળનું કારણ ખરાબ હવામાન માનવામાં આવતું હતું પરંતુ હવે તેની પાછળ સુરક્ષા કારણોનો હવાલો આપવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થવાના કારણે ફિરોઝપુરની રેલી રદ કરવામાં આવી છે. તથા પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે. ભાજપે આ મામલે સીએમ ચન્નીનું રાજીનામું પણ માંગ્યું છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુસાફરી ખુબ મહત્વની મનાઈ રહી હતી.
ગૃહ મંત્રાલય તરફથી જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તેમાં કહેવાયું છે કે પીએમ મોદી સવારે ભઠિંડા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને ઓછી વિઝિબ્લિટીના કારણે પહેલા પીએમે 20 મિનિટ રાહ જોવી પડી. ત્યારબાદ હવામાન સારું ન થતા તેમણે રોડ માર્ગે ત્યાં જવાનો નિર્ણય લીધો. જેમાં લગભગ 2 કલાક લાગવાના હતા. આ અંગે પંજાબ પોલીસના ડીજીપીને જણાવીને જરૂરી સુરક્ષા વ્યવસ્થાની મંજૂરી લેવાઈ હતી.
આગળ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કાફલો રાષ્ટ્રીય શહીદ સ્મારકથી 30 કિલોમીટર દૂર હતો ત્યારે રસ્તામાં એક ફ્લાયઓવર આવ્યો. ત્યાં રસ્તાને પ્રદર્શનકારીઓએ રોકેલો હતો. તે ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ ફસાયેલો રહ્યો. જેને ગૃહ મંત્રાલયે પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક માની છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube