PM Modi in Pune: આજે પુણેમાં મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, અનેક પરિયોજનાને આપશે લીલી ઝંડી
PM Modi in Pune: પીએમ મોદી કુલ 32.2 કિમીની પુણે મેટ્રો રેલ પરિયોજનાના 12 કિમીના ખંડનું ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાને 11400 કરોડથી વધુ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણે જશે અને પુણે મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમ મોદી પુણે કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરશે. સાથે ઘણી વિકાસ યોજનાની આધારશિલા રાખશે. આ સિવાય તે આર કે લક્ષ્મણ આર્ટ ગેલેરી-સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે અને સિમ્બાયોસિસ વિશ્વવિદ્યાલયના સ્વર્ણ જયંતિ સમારોહની શરૂઆત પણ કરશે.
પીએમ મોદી સવારે આશરે 11 કલાકે પુણે કોર્પોરેશન પરિસરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરશે. આ મૂર્તિ 1850 કિલોગ્રામ ગન મેટલથી બનેલી છે અને લગભગ 9.5 ફૂટ ઊંચી છે.
પરિયોજના માટે ખર્ચ થશે 11400 કરોડ રૂપિયા
ત્યારબાદ 11.30 કલાકે પ્રધાનમંત્રી મોદી પુણે મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પરિયોજના પુણેમાં શહેરી અવરજવર માટે વિશ્વ સ્તરીય પાયાની સુવિધા પ્રદાન કરવાનો એક પ્રયાસ છે. પીએમ મોદી તરફથી આ યોજનાની આધારશિલા પણ 24 ડિસેમ્બર 2016માં રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રી કુલ 32.2 કિમીની પુણે મેટ્રો રેલ પરિયોજનાના 12 કિમી ખંડનું ઉદ્ઘાટન કરશે. આ યોજનાને 11,400 કરોડથી વધુના ખર્ચથી બનાવવામાં આવી રહી છે. મોદી ગુરૂવારે મેટ્રો સ્ટેશન પર પ્રદર્શનનીનું ઉદ્ઘાટન અને નિરીક્ષણ પણ કરશે અને ત્યાંથી આનંદનગર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી પણ કરશે.
આ પણ વાંચોઃ યુવતી પ્રાઇવેટ પાર્ટમાં સંતાડીને લાવી 6 કરોડનું ડ્રગ્સ, 15 દિવસે બહાર કાઢી શક્યા ડોક્ટર
પ્રધાનમંત્રી મુલા-મુથા નદી પ્રોજેક્ટ્સના કાયાકલ્પ અને પ્રદૂષણ નિવારણ માટે શિલાન્યાસ પણ કરશે
પ્રધાનમંત્રી લગભગ 12 વાગ્યે શિલાન્યાસ કરશે અને અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેઓ મુલા-મુથા નદીના પ્રોજેક્ટના કાયાકલ્પ અને પ્રદૂષણ ઘટાડવા માટે શિલાન્યાસ પણ કરશે. રૂ.1080 કરોડથી વધુના પ્રોજેક્ટના ખર્ચે નદીના નવ કિલોમીટરના પટને પુનઃજીવિત કરવામાં આવશે, જેમાં નદીકાંઠાની સુરક્ષા, ઈન્ટરસેપ્ટર ગટર નેટવર્ક, જાહેર સુવિધાઓ, બોટિંગ પ્રવૃત્તિ વગેરે જેવા કાર્યોનો સમાવેશ થશે. મુલા-મુથા નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ રૂ. 1470 કરોડથી વધુના ખર્ચે "એક શહેર એક ઓપરેટર" ના ખ્યાલ પર અમલમાં આવશે. આશરે 400 MLD ની કુલ ક્ષમતા સાથે કુલ 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવશે.
પીએમ મોદી 100 ઈ-બસ અને બાનેરમાં બનેલા ઈ-બસ ડેપોનું પણ લોકાર્પણ કરશે. પુણેના બાલેવાડી ખાતે બનેલ આર.કે લક્ષ્મણ આર્ટ ગેલેરી-મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ માલગુડી ગામ પર આધારિત લઘુચિત્ર મોડેલ છે, જેને ઑડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા જીવંત કરવામાં આવશે. મ્યુઝિયમમાં કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણ દ્વારા બનાવેલા કાર્ટૂન પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી પીએમ મોદી બપોરે લગભગ 1.45 વાગ્યે સિમ્બાયોસિસ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહની શરૂઆત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube