નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલનાં વધતા જતા ભાવ અને ડોલરની સરખામણી તુટી રહેલા રૂપિયાના સ્તર અંગે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર સતત હુમલા કરી રહી છે. આ જ ક્રમમાં મંગળવારે કોંગ્રેસ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડને ફરી એક વખત ઉઠાવતા મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીનો વીડિયો બહાર આવ્યા બાદ મંગળવારે નરેન્દ્ર મોદી સરકાર આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલી હોવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે, 'ભાગેડુઓનો સાથ, ભાગેડુઓનો વિકાસ' આ સરકારનો નવો નારો બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પક્ષના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, ચોકસીના ગોટાળા અંગે વડા પ્રધાન કચેરીને મે, 2015માં ફરિયાદ કરાઈ હતી, પરંતુ એ બાબતે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. તેમણે જણાવ્યું કે, 'લાગે છે કે મેહુલ ચોક્સીએ ભારતની મોદી સરકારની એજન્સીઓ સાથે સાંઠગાંઠ સાથે પાછા આવવાનો ઈરાદો કરીને એક સમાચાર એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યો છે. હવે એક બાબત સ્પષ્ટ છે કે, મેહુલ ચોકસી અને નિરવ મોદી દ્વારા રૂ.24,000 કરોડનું કૌભાંડ કરીને દેશમાંથી ભાગી જવામાં સીધે-સીધા ચોકીદાર અને તેમની કચેરી સંડોવાયેલી છે.'


તેમણે આરોપ લગાવ્યો છે કે, 'હું આ બાબત અત્યંત જવાબદારી અને ગંભીરતાપૂર્વક જણાવી રહ્યો છું. હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે એ જાહેર થઈ ગયું છે કે, ચોકીદાર હવે પાકા ભાગીદાર બની ગયા છે. 'ભાગેડુઓનો સાથ અને ભાગેડુઓનો વિકાસ', હવે મોદી સરકારનો નારો બની ગયો છે.'



સંસદમાં આ બાબત સાથે જોડાયેલા સરકારના એક જવાબ અને કેટલાક અન્ય દસ્તાવેજો રજૂ કરતા સુરજેવાલાએ દાવો કર્યો કે, 'હું તથ્યોના આધારે આ આરોપ લગાવી રહ્યો છું કે આ સમગ્ર પ્રકરણમાં વડા પ્રધાન કચેરી, નાણા મંત્રાલય, ઈડી, સીબીઆઈ અને અન્ય એજન્સીઓની સંડોવણી જાહેર છે. ત્રણ વર્ષ સુધી નરેન્દ્ર મોદી સરકારે નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે કોઈ કાર્યવાહી કરી નથી. આથી, તેના માટે સીધા વડા પ્રધાન જવાબદાર છે.'


તેમણે સવાલ પુછ્યો કે, 'વડા પ્રધાન કચેરીએ ફરિયાદ મળ્યા બાદ કોઈ પગલાં કેમ ન લીધાં? વિદેશ મંત્રાલયે એન્ટીગુઆની નાગરિક્તા પ્રાપ્ત કરવા માટે ચોક્સીને ક્લીન ચિટનું પ્રમાણપત્ર શા માટે આપ્યું? વડાપ્રદાન મોદીએ એન્ટીગુઆના વડા પ્રદાન સાથેની મુલાકાતમાં ચોક્સીને નાગરિક્તા મળવા અંગેનો મુદ્દો શા માટે ન ઉઠાવ્યો?'


ઉલ્લેખનીય છે કે, મંગળવારે જ મેહુલ ચોક્સીએ એક સમાચાર એજન્સીને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે આ ઘટનામાં તેને ફસાવાઈ રહ્યો છે. અત્યારે તે એન્ટીગુઆમાં છે, જ્યાંની નાગરિક્તા મેળવેલી છે.