હથિયાર સાથે અને બૂટ પહેરીને પોલીસ કર્મચારી જગન્નાથ મંદિરમાં પ્રવેશ ન કરેઃ સુપ્રીમ
ત્રણ ઓક્ટોબરના રોજ એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠને લાઈનમાં લગાવીને દર્શનની વ્યવસ્થાના વિરોધમાં 12 કલાકના બંધની જાહેરાત કરી હતી, આ દરમિયાન થયેલી હિંસામાં 9 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા
નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે પુરીના જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઈન લગાવીને દર્શનની વ્યવસ્થા દરમિયાન 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસાનું સંજ્ઞાન લેતાં બુધવારે જણાવ્યું કે, કોઈ પણ પોલીસ કર્મચારી હથિયાર લઈને અને બૂટ પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરે.
ત્રણ ઓક્ટોબરના રોજ એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠને લાઈન લગાવીને દર્શન કરવાની વ્યવસ્થાના વિરોધમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન મંદિર પરિસરમાં થયેલી હિંસામાં 9 પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયા હતા.
આ કેસની સુનાવણી દરમિયાન ઓડિશા સરકારે કોર્ટને જણાવ્યું કે, પુરીના જગન્નાથ મંદિરમાં થયેલી હિંસાના સંદર્ભમાં 47 લોકોની ધરપકડ કરાઈ છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
સરકારે જણાવ્યું કે, જગન્નાથ મંદિરના અંદર કોઈ હિંસા થઈ ન હતી. મંદિર પ્રશાસનના કાર્યાલય પર હુમલો કરીને તેમાં તોડફોડ કરાઈ હતી. મંદિરના અધિકારીઓએ લાઈન લગાવીને દર્શન કરવાની વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે શરૂ કરી હતી અને તેની સમક્ષા કરવામાં આવશે, કેમ કે સ્થાનિક લોકો આ બાબતનો વિરોધ કરી રહ્યા છે.
રાફેલ ડીલઃ સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ, સીલબંધ કવરમાં આપે સમગ્ર સોદાની માહિતી
ઉલ્લેખનીય છે કે, જગન્નાથ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે લાઈનમાં ઊભા રહીને વારાફરતી દર્શન કરવાની વ્યવસ્થા સામે એક સામાજિક-સાંસ્કૃતિક સંગઠને 12 કલાક બંધનું એલાન આપ્યું હતું. ગયા બુધવારે તેના કારણે ભડકેલી હિંસામાં 10 પોલીસ કર્મચારી સાથે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા શ્રી જગન્નાથ સેનાના સંયોજક પ્રિયદર્શનના આગમચેતીનાં પગલાં સ્વરૂપે અટકમાં લેવાયા બાદ સંગઠન દ્વારા આયોજિત બંધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.